તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને ઉના સુધી પહોંચ્યું છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશેઃ મુખ્યમંત્રી
વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે છે. સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશે. જેમાં 150 કિ.મી. પવન રહેશે. આખી પ્રક્રિયા ચાર કલાક ચાલે છે. ચાર જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વધુ અસર થશે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાની અસરમાં ઝાડ પડ્યા છે અને લાઇટો બંધ થઇ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, આણંદ, ભરૂચ અને ધોલેરામાં પણ તેની અસર જોવા મળશે.
વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ
તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.
રાજ્યમાં રાહત-બચાવ માટે 44 NDRFની ટીમો તૈનાત
રાજ્યમાં ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.
2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર
લોકોને સ્થળાંતર કરવાની મોટી કામગારી પૂર્ણ કરી દેવામાં આવી છે. 5 જિલ્લામાંથી 1 લાખથી વધુ અને રાજ્યમાંથી કુલ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 19 હજાર માછીમારો અને તમામ બોટ પાછી આવી ગઇ છે. 11 હજાર અગરિયાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવ અને વધુ પ્રભાવિત જિલ્લામાં એડીજીપી કાર્યરત છે. ફોરેસ્ટ એનર્જી, 108, કન્ટ્રોલ રૂમ એરેન્જ કરાયા છે. કન્ટ્રોલ રૂમની અંદર સેટેલાઇટ ફોન સાથે કનેક્ટિવિટી કરવામાં આવી હોવાનું એડિશનલ ચિફ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું છે.
આ પાંચ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે
પંકજ કુમારે વાવાઝોડાની સ્થિતિ અને તેની સામેની સરકારની તૈયારી અંગે માહિતગાર કરતા જણાવ્યુ છેકે, વાવઝોડું વધારે પ્રભાવી થયું છે. 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. દીવથી 20 કિ.મી. પૂર્વમાં રાત્રે 8થી 11ની વચ્ચે આવશે. જ્યારે આવશે ત્યારે વાવાઝોડાની ઝડપ 155થી 165 કિ.મી.ની હશે. હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડથી સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને વધારે થશે. આ ઉપરાંત દક્ષિણ અમદાવાદ, આણંદ અને મોરબીમાં પણ તેની અસર જોવા મળશે.
ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ
લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાના સમયે 15 જેટલા જિલ્લામાં 70થી 175 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. રાજ્યમાં દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લામાંથી દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યભરમાં બચાવકાર્ય માટે NDRFની 44 ટીમને તૈનાત કરી દેવાઈ છે, જ્યારે SDRFની પણ 6 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. જેની સંભવિત અસર પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં થવાની છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવઝોડાની અસર થઇ શકે છે.
વેરાવળ તરફ આગળ વધતું તાઉ-તે વાવાઝોડું
અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તાઉ'તે'' જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે; તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. તાઉ-તે વાવઝોડું વેરાવળ બંદર તરફ આગળ વધી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી રાત્રે 10થી 11 વાગ્યા દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.
રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો
ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત અસર થનાર દરિયાકાંઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં 23 વર્ષ બાદ વાવઝોડું આવી રહ્યું છે. 1998માં કચ્છના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું.
કંડલામાં આવેલા વાવાઝોડામાં 1173નું મોત થયું હતું
ગુજરાતમાં 23 વર્ષ બાદ ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે. આ પહેલાં 9 જૂન 1998માં કચ્છ જિલ્લાના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું આવ્યું હતું. જેમાં 1173 લોકોનું મૃત્યુ થયું હતું અને 1774 લોકો લાપતા થયા હતા. ગુજરાતના દરિયાકાંઠાના 1.35 લાખ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને હજુ સ્થળાંતર ચાલી રહ્યું છે.
165 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના
ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે.. વાવઝોડું દિવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. આ સાથે આજે રાતે 8થી 11 વાગ્યા વચ્ચે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ રહેલી છે. 155થી 165 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે વાવઝોડું ફૂંકાશે.
વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ
વાવાઝોડાની અસર હવે દરિયાકાંઠે ઉંચળતા મોજા રૂપે જોવા મળી રહી છે. વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર મોજા ઉછળી રહ્યા છે ઉપરાંત જાફરાબાદ,શિયાલબેટ,પીપાવાવ, સરકેશ્વર,ધારબંદર વિસ્તારમાં અતિભારે પવન શરૂ થયો છે. ધીમીધારે વરસાદનું પણ દરિયાકાંઠે આગમન જોવા મળી રહ્યું છે. સાથે તંત્ર દ્વારા 4 નંબરનું સિગ્નલ હટાવી આજે સીધું જ 10 નંબર સિંગલ લગાવી દેવાયું છે અને એલર્ટ જાહેર કરી દેવાયું છે. દરિયાકાંઠે લોકોને નહીં જવા તંત્ર દ્વારા અપિલ કરાય રહી છે.
જાફરાબાદમાં કેબિનેટ મંત્રી પહોંચ્યા સ્થળાંતર કરાવવા
તાઉ-તે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વધુ ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સ્થળાંતર કરવા માટે લોકો હજુ ક્યાંક સહકાર ન આપતા હોવાને કારણે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જાફરાબાદ સામા કાંઠે પહોંચી સ્થળાંતર કરવાની અપીલ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરાઇ છે. ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો આજે દિવસ દરમિયાન પ્રવાસ ગ્રામીણ વિસ્તારમાં રહેશે. લાઈટ હાઉસ વિસ્તારમાં સ્થિતિ વધુ ટાઈટ હોવાને કારણે હાલ પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. જેથી પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પ્રવેશ કરી ન શકે તેને લઈ છાપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર
રાજયમા પ્રવર્તી રહેલ તાઉ-તે વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સ્થળાંતર ની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આજે સવારે 5 વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે.
6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, 21 જિલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી થયેલ નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગનીની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.
NDRF 41 અને SDRFની 10 ટીમો તૈનાત
તેમણે કહ્યું કે, રાહત અને બચાવ માટે NDRF 41 ટીમો સંબંધિત જિલ્લોના મેનેજમેન્ટ માટે સામેલ કરી દેવાઈ છે. જ્યારે SDRFની 10 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડાના પરિણામે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે રાજ્યમાં કુલ 456 ડીવોટરિંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે. જે જરૂરિયાત મુજબ પહોચાડાશે. એટલું જ નહીં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 2126 હોર્ડિંગ્સ શહેરીવિસ્તારમાં તથા 643 હોર્ડિંગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે અને નુકસાન થઈ શકે તેવા 668 હંગામી સ્ટ્રક્ચર પણ દૂર કરાયા છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને આ વિસ્તારના નાગરિકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે.
કોરોનાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા
તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે. જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગીરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. રાજયમાં કોવીડની સ્થિતિની પહોંચી વળવા માટે 1383 પાવરબેક અપ રાખવામાં આવ્યા છે.એટલું નહીં આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 161 ICU એબ્યુલન્સ અને 576-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છૈ. કોવિડ ની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિઝન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે 35 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.