રાજુલામાં ધાતરવડી 1 સિંચાઈ યોજનામાં માઈનોર 1 કેનાલમાં કુંડીઓ તુટી ગઇ છે. ઠેરઠેર કેનાલમાં કચરાના ઢગ છે. જેના કારણે ખેડૂતોને કેનાલ મારફત પરતું પાણી મળતું નથી. અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અગાઉ રાજુલા પિયત મંડળીએ મંત્રી અને સાંસદ સહિત સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે મંત્રી અને સાંસદે સિંચાઈ વિભાગને કેનાલની મરામત માટે સૂચના આપી હતી. પણ સિંચાઈ વિભાગ આ રજૂઆતને ઘોળીને પી ગયું છે.
રાજુલા પીયત મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયાએ જણાવ્યું હતું કે ધાતરવડી 1માં માઈનોર કેનાલ વાવાઝોડા સમયે તુટી ગય છે. અહી કુંડીઓ પણ તુટેલી હાલતમાં છે. સાથે સાથે કેનાલમાં ઠેર ઠેર કચરો પડ્યો છે. જ્યારે પણ પાણી વિતરણ કરાઈ છે. ત્યારે છેવાડાના ગામડા સુધી પિયત માટે પાણી પહોંચતું નથી. તુટેલી કેનાલ અને કુંડીના કારણે રસ્તામાં જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્રણ માસ પહેલા મળેલી સિંચાઈ સલાહકારની મીટીંગમાં કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરાંત રાજ્યના પાણી પુરવઠાના કેબીનેટમંત્રી તથા સાંસદ નારણભાઈ કાછડીયાને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીનગરથી અધિકારીઓને કેનાલનું સમારકામ કરવા અને સફાઈ કરવા આદેશ થયા હતા.
પરંતુ સિંચાઈ વિભાગ આ આદેશને ઘોળીને પી ગયું છે. વધુમાં રમેશભાઈ વસોયાએ જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ મંત્રીઓને પણ દાદ આપતા નથી. ત્યારે હવે આમાં ખેડૂતોનું કેવી રીતે ભલું થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.