8મી માર્ચ સમગ્ર વિશ્વમા મહિલા દિન તરીકે ઊજવવામાં આવે છે. મહિલાઓનાં માન-સન્માન અને ગૌરવની ગાથા ગાવાના આ દિને અમરેલી જિલ્લામાં બાબાપુર સ્થિત સર્વોદય સરસ્વતી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી આરઝી હુકુમતના સેનાપતિ અને સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિતના પુત્રી તેમજ સ્વાતંત્ર્ય સેનાની બાલુકાકાના ભાણેજ અને બાબાપુર ગામના પૂર્વ સરપંચ મંદાકિની બહેન પુરોહિતે પોતાની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી શક્તિનો અનોખો દાખલો બેસાડ્યો છે.
બાબાપુર સંસ્થામાં શિક્ષણની અલખ તો પહેલાંથી જ જાગેલી હતી પરંતુ તેમાં નિરાધાર બાળકો માટે અનાથ આશ્રમને બદલે બાલઘરનું નિર્માણ કરી મંદાકિની બહેને નોખો ચીલો ચાતર્યો છે. ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં રહેવાની તક હોવા છતાં તેમણે વારસામાં મળેલા પરિવારના સર્વોદય સંસ્કારોનાં પગલે ગ્રામોત્થાન, કેળવણી અને નિરાધાર બાળકોનો આસરો બનવાનું પસંદ કર્યુ. બાબાપુર સંસ્થાના પ્રાંગણમાં આવેલા આ બાલઘરમાં અત્યાર સુધીમાં 100 જેટલા નિરાધાર દીકરા-દીકરીઓને આશરો મળ્યો છે.
આ બાલઘર એટલું વિશિષ્ટ છે કે તેમાં રહેતા નિવાસીઓ માટે કોઈ ચોપડે ચિતરેલા નિયમો નથી. બાળકોને પોતાના ઘરમાં રહેતા હોય તેવો જ અનુભવ આ સંસ્થામાં થાય છે. બાલઘર વિશે માહિતી આપતા મંદાકિની બહેને જણાવે છે કે મને નાનપણથી નિરાધાર બાળકો માટે એક આસરો કરવો હતો.
જો કે તેને અનાથ આશ્રમ નામ આપવાની કોઈ ઈચ્છા નહોતી. એક એવું ઘર જ્યાં નીતિનિયમ ન હોય અને બાળકો છૂટછાટથી રહી શકે તેવો આસરો એટલે અમારું બાલઘર. ત્રણ બાળકોથી શરુ થયેલા બાલઘરમાંથી અત્યાર સુધીમાં 10 દીકરીઓનાં લગ્ન પણ થયા છે.
એટલું જ નહીં આ દીકરીઓ પોતાની પ્રથમ પ્રસુતિ માટે માતાપિતાના ઘરે જાય એવી રીતે જ આ સંસ્થામાં પોતાની પ્રસુતિ માટે આવે છે. બાલઘર ઉપરાંત આ સંસ્થાના કેમ્પમાં આસપાસના ગામોમાંથી અને વિવિધ વિસ્તારોમાંથી 600 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓ અભ્યાસ માટે આવે છે.
શિક્ષણ સાથે કૃષિ અને ગૌસંવર્ધન સહિતના કાર્યો
સર્વોદય સરસ્વતી કેળવણી મંડળ વડે રાષ્ટ્રનિર્માણ કરવાના ઉદ્દેશથી શિક્ષણ, કૃષિ, ગૌ-સંવર્ધન, ઈત્યાદિ વિકાસનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાને પ્રથમ સંચાલક લાલજીબાપા, બાલુભાઈ ભટ્ટ, ગુણવંતભાઈ પુરોહિત, હસુમતિ બહેન પુરોહિતથી લઈને હાલના પ્રમુખ વસંતભાઈ પરીખ સુધીના સેવાના ભેખધારીઓનો વારસો મળ્યો છે. આ સંસ્થા હેઠળ કુલ 15 હાઈસ્કુલ, 1 પીટીસી કોલેજ અને બાલઘર અને એમ્બ્યુલન્સની સેવા પણ કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.