અમરેલીના ગીર પંથકમાં આંબાવાડીનું વાવેતર વધારે જોવા મળે છે. પણ ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેસર કેરીની આવકમાં માઠી અસર પહોંચી છે. અહી ગત વર્ષે સ્થાનિક કેસર કેરીની મબલખ આવક થઈ રહી હતી. અને પ્રતિ કિલોના રૂપિયા 25 થી 70 સુધીનો ભાવ રહ્યો હતો. પરંતુ અત્યારે સ્થાનિક કેરીની સાથે સાથે તાલાલા, કચ્છ અને વલસાડ પંથકમાંથી પણ કેસર કેરીની મબલખ આવક થઈ રહી છે. હાલ માર્કેટમા પાંચ હજાર બોકસની આવક આવી રહી છે.
અમરેલીમાં ફ્રુટ માર્કેટમાં કેરીના વેપારી અમીનભાઈ નાગાણીએ જણાવ્યું હતું કે અત્યારે તાલાલા, ઉના, કચ્છ અને વલસાડ પંથકમાં પણ કેસર કેરીની આવક થઈ રહી છે. તો ગત વર્ષે વાવાઝોડાના કારણે આંબાવાડીમાં નુકશાન થયું હતું. જેના કારણે ચાલુ વર્ષે સ્થાનિક કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે. જો કે અત્યારે માર્કેટમાં દરરોજના 4000 થી 5000 કેસર કેરીના બોક્સની આવક નોંધાઈ રહી છે. અહીથી ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસર કેરીના વેચાણ માટે રીટેલરો કેરીની ખરીદી કરી રહ્યા છે.
અત્યારે માર્કેટમાં કેસર કેરીની આવક થઈ રહી છે. અમરેલી પંથકમાં અન્ય કેરીની ખરીદી ઓછી છે. જેના કારણે અન્ય કેરીની આવક પણ થતી નથી. અત્યારે પ્રતિ કિલોના રૂપિયા 50 થી 90 સુધી કેસર કેરીનું વેંચાણ થઈ રહ્યું છે. જે ગત વર્ષે પ્રતિ કિલોના ભાવ રૂપિયા 25 થી 70 રહ્યો હતો. તો અત્યારે રીટેલરમાં પાકેલી કેસર કેરીનો પ્રતિ કિલો રૂપિયા 120 થી 150 સુધી વેચાઇ રહી છે.
ઓર્ગેનિક કેસર કેરી પણ લોકોના આકર્ષનું કેન્દ્ર બની
માર્કેટમાં ઓર્ગેનિક કેસર કેરીનું વેચાણ કરતા હરેશભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે ઓર્ગેનિક કેરી પકવવામાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે. અને કોઈ પણ કેમિકલ કે દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક કેસર કેરીને પકવવામાં આવે છે. અત્યારે કચ્છ પંથકમાંથી ઓર્ગેનિક કેરીની આવક થઈ રહી છે.
અથાણા માટેની કાચી કેરીનો ભાવ લોકોના દાંત ખાટા કરી રહ્યો છે
અમરેલી માર્કેટમાં જેમ પાકેલી કેસર કેરીનું વેંચાણ થઈ રહ્યું છે. તેમ અથાણા માટેની કેરીનું વેંચાણ પણ વધ્યું છે. અહી કાચી કેસર કેરી માર્કેટમાં પ્રતિ કિલો રૂપિયા 50 થી 100 સુધી વેચાઇ રહી છે. તો રાજાપુરી કેરી પ્રતિ કિલો 50માં વેચાઇ રહી છે. અથાણા માટેની કાચી કેરીના ભાવ પણ વધુ હોવાથી લોકોના અથાણા વગર જ દાંત ખાટા થઈ રહ્યા છે.
માર્કેટમાં પ્રતિ મણ કેરીનો રૂપિયા 2400 પર રહ્યો
માર્કેટમાં 60 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી. અહી એક મણ કેરીનો રૂપિયા 1200 થી 2400 સુધી ભાવ રહ્યો હતો. તો સરેરાશ ખેડૂતોને રૂપિયા 2200નો ભાવ મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.