તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ?:અમરેલીના જાફરાબાદમાં સહાયની રજૂઆત સમયે ધારાસભ્ય અંબરીશ ડેરની હાજરીમાં સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

અમરેલી13 દિવસ પહેલા
  • લોકોની સાથે નેતાઓ પણ નિયમો ભૂલ્યા
  • પોલીસ મૂકપ્રેક્ષક બની તમાશો જોતી રહી

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે થયેલી નુકસાનીના સર્વે અને સહાયની ચૂકવણીમાં વિસંગતતાને લઈ કૉંગ્રેસની આગેવાનીમાં છેલ્લા કેટલાક દિવસથી રજૂઆત કરવામા આવી રહી છે. ત્યારે આજે જાફરાબાદમાં રિસર્વેની માગ અને સહાયની ચૂકવણીને લઈ ધારાસભ્યની હાજરીમાં રજૂઆત સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા હતા.

અમરેલી જિલ્લાના તાઉ-તે અસરગ્રસ્ત રાજુલા અને જાફરાબાદમાં સર્વે અને સહાયની ચૂકવણીને લઈ રાજનીતિ ગરમાઈ છે. કૉંગ્રેસ દ્વારા તાઉ-તે પ્રભાવિત લોકોને સાથે રાખી સતત રિસર્વે અને સહાયની ચૂકવણીની માગ કરવામા આવી રહી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા કૉંગ્રેસ પર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. આજે જાફરાબાદમાં યોજાયેલી રેલીમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા સવાલો ઉઠ્યા છે.

અમરેલી જિલ્લામા સરકાર દ્વારા સહાય અને રિસર્વે નો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ઉપાડ્યો છે, સતત અલગ અલગ તાલુકામાં વિરોધ પ્રદશન શરૂ કર્યું છે. જ્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ સાથે જાફરાબાદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં ગામડાના લોકોને સાથે જોડી રિસર્વે અને સહાય થી વંચિત રહેલા લોકો ને સરકાર સહાય આપે તેવી માંગણી કરવામા આવી છે. જાફરાબાદ મામલતદાર કચેરીએ રજૂઆત માટે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા હતા. રેલીમાં અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.

લાગતા વળગતાઓને સહાય- અંબરીશ ડેર
રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે, તાલુકામાં ભાજપના લાગતા વળગતાઓને જ સહાયની ચૂકવણી કરવામા આવી છે.અનેક ગરીબ અને જરુરિયાતમંદ લોકો છે કે, જેઓને હજી સુધી સહાય મળી નથી.ત્યારે અમારી માગ છે કે, રિસર્વે કરી સહાયની ચૂકવણી કરવામા આવે.

કૉંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે- ભાજપ
અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળે કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં જ 51 કરોડ રૂપિયા તો લોકોના સીધા ખાતામાં જમા થઈ ચૂક્યા છે. ક્યાંક ક્ષતિના કારણે કોઈ એક બે કેસ એવા હશે કે જેને અન્યાય થયો હશે. તેનો નિકાલ કરીશું. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...