• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In The Presence Of Der At A Function In Amreli, Patil Said, "We Have Reserved Space For Der As We Would Have Kept A Handkerchief For Ourselves While Sitting In The Bus."

પાટીલે રૂમાલની વાત કરી ડેર માટે જાજમ પાથરી:અમરેલીમાં કોંગી MLAની હાજરીમાં પાટીલે કહ્યું- 'બસમાં સીટ રોકવા રૂમાલ મૂકીને જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી છે'

અમરેલી15 દિવસ પહેલા
પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ
  • બધા પક્ષ મજબૂત નેતાને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરે છે- અંબરીશ ડેર
  • ડેરને તો માટે એક દિવસ ખખડાવવા પડશે, મારો અધિકાર છે હો- સી.આર.પાટીલ
  • પાટીલનો મારા પ્રત્યેનો આત્મીયતા ભાવ હોય શકે- અંબરીશ ડેર

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે. ત્યારે ભાજપે 150 બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. અમરેલીમાં આયોજીત એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આજે એક નિવેદન કરી રાજુલાના કૉંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેરને પંપાળવાનો પ્રયાસ કર્યો હતો. પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે. સાથે કહ્યું હતું કે, આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી છે. પાટીલના નિવેદન બાદ અંબરીશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે.

સમૂહ લગ્નના કાર્યક્રમમાં અંબરીશ ડેરની હાજરી
સમૂહ લગ્નના કાર્યક્રમમાં અંબરીશ ડેરની હાજરી

અંબરીશ ડેરને તો એક દિવસ ખખડાવવા પડશે- પાટીલ
રાજુલાના બાબરીયાધારમાં આહીર સમાજના 14માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ઉપરાંત ભાજપ-કૉંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રાજુલાના કૉંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેર પણ હાજર રહ્યા હતા. ડેરની હાજરીમાં જ પાટીલે પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ડેરને તો મારે ખખડાવવા પડશે. સાથે કહ્યું હતું કે, આપણે બસમાં બેસતા ત્યારે રૂમાલ મૂકી જગ્યા રાખતા હતા તેમ અમે પણ જગ્યા રાખી મૂકી છે.

બે દિવસ પહેલા મંત્રી મુકેશ પટેલે અંબરીશ ડેર સાથે મુલાકાત કરી હતી
બે દિવસ પહેલા અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અંબરીશ ડેરને મળવા માટે તેના ફાર્મહાઉસ પર પહોંચ્યા હતા. ત્યારે પણ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. જો કે, અંબરીશ ડેરે પોતાના મિત્ર હોવાના કારણે મુલાકાતે આવ્યા હોવાની વાત કરી હતી.

બાબરીયાધારમાં યોજાયેલા કાર્યક્રમમાં પાટીલ હાજર રહ્યા
બાબરીયાધારમાં યોજાયેલા કાર્યક્રમમાં પાટીલ હાજર રહ્યા

અંબરીશ ડેર ભાજપમાં આવે તો હીરા સોલંકીનું શું?
પાટીલના નિવેદન બાદ અમરેલીના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે કે ડેર ભાજપમાં જોડાશે કે નહીં?. જો કે, સવાલ એ છે કે, જો અંબરીશ ડેરને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં લાવવાનો પ્રયાસ હોય અને રાજુલાથી ચૂંટણી લડાવવાની રણનીતિ હોય તો પછી રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીનું શું થશે? રાજુલા બેઠક પર હીરા સોલંકીનું વર્ચસ્વ રહેલું છે. 2022 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તે તડામાર તૈયારીઓ પણ કરી રહ્યા છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં રાજુલા બેઠક પર અંબરીશ ડેરે જ ભાજપના હિરા સોલંકીને હાર આપી હતી.

અંબરીશ ડેર, ધારાસભ્ય, રાજુલા
અંબરીશ ડેર, ધારાસભ્ય, રાજુલા

તમામ પક્ષો મજબૂત નેતાને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરે છે- અંબરીશ ડેર
સીઆર પાટીલના નિવેદન પર રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે, ભાજપ હોય, કૉંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ પક્ષ જે જીતી શકે તેવા નેતા હોય તેને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરે છે. પાટીલનો મારા પ્રત્યેનો આત્મીયતા ભાવ છે એટલે ખખડાવવાની વાત કરી હોય શકે.

અન્ય સમાચારો પણ છે...