રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરીને પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે, અનેક જગ્યાએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈ તેમજ અન્ય કારણોસર મતદાન બહિષ્કારની પણ લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે સાવરકુંડલાના જીરા ગામમાં રેતી ચોરી અને દેશી દારૂની ભઠ્ઠી બંધ નહી થતા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
કેટલાક શખ્સો રેતી ચોરીની પ્રવૃતિ કરી રહ્યા છે
સાવરકુંડલા તાલુકાના જીરા ગામના મહિલા સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ છોડવડીયા દ્વારા અવારનવાર સાવરકુંડલા રૂલર પોલીસ અને તંત્રને જાણ કરવા છતાં રેતી ચોરી બંધ થઈ નથી, અહીં શેત્રુંજી નદી પસાર થાય છે અને ત્યાં ગેરકાયદેસરરીતે રેતી ચોરીની પ્રવુતિ કેટલાક માથાભારે શખ્સો દ્વારા કરવામા આવી રહી છે. જેને લઈ જીરાના ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ મહિલા સરપંચ હોવાના કારણે કોઈ સાંભળતું ન હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.
ગૌચરની જમીનમાં દેશી દારૂ બનાવીને વેચાણ કરે છે
આ અંગે લેખિતમાં સરપંચના લેટર પેડ ઉપર જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે અને એસપી સહિત સ્થાનીક પ્રાશાસનને પત્ર રવાના કર્યો છે. પત્રમાં જણાવ્યાં મુબજ તારીખ 01-12-2022ની ચૂંટણીનો અમારા જીરા ગ્રામ પંચાયત બહિષ્કાર કરે છે, કારણ કે અમારા જીરા ગામે શેત્રુંજી નદી આવેલી હોય જે નદીમાં ભુમાફિયાઓ બેફામ રીતે રેતી ચોરી કરી રહ્યા છે. અમારા જીરા ગ્રામ પંચાયતની ગૌચરણની જમીનમાંથી બિન કાયદેસર રીતે રસ્તો બનાવીને ડમ્પર, ટ્રેક્ટર આડેધડ ચલાવી રહ્યા છે જેથી ખેડૂતોને ખેતર જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વધુમાં જણાવ્યું કે, આ લોકો ખુબજ માથાભારે હોવાથી કોઈ પણ વ્યક્તિનું ચાલતું નથી, તેમજ કોઈ કઈ પણ કહી શકતું નથી. જીરા ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં દેશી દારૂ બનાવીને વેચાણ કરે છે આ બાબતે લેખિત મૌખિત અરજીઓ આપી છે, પરંતું આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી જેથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં જીરા ગ્રામ પંચાયત દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, તેવી જાહેરાત કરી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
એસપી, કલેક્ટરને અનેક વખત રજૂઆતો કરી
ગામના મહિલા સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયાએ જણાવ્યું કે, અમારા ગામમાં 20 વર્ષથી દારૂ વેંચાય છે, રેતી ચોરી થાય છે ગામને રેતી મળતી નથી તેના બદલે ભૂમાફિયાઓ અહીંથી રેતી બહાર લઈ જાય છે. એસપી, કલેક્ટરને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું ત્યારે જો આ રેતી ચોરી અને દારૂની ભઠ્ઠીઓ બંધ નહી થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
સમસ્યાનું નિરાકરણ આવે તેવી માગ
જીરા ગામના પૂર્વ સરપંચ સુરેશ સાવજે જણાવ્યું કે, હું સરપંચ હતો એ સમયે પણ મેં લેખિતમાં તંત્ર અને પોલીસને રજૂઆતો કરી હતી. તેમછતાં દારૂની ભઠ્ઠીઓ અને રેતી ચોરી આજે પણ ચાલુ છે જેથી અમારી આ સમસ્યાનું નિરાકરણ આવે અને અમને ન્યાય મળે તેવી અમારી માંગ છે. તેમજ જ્યા સુધી નિરાકરણ નહી આવે ત્યાં સુધી મતદાન અમે નહી કર્યે અને બીજાને કરવા પણ નહીં દઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.