અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરાના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા પાંચ દિવસમાં વનવિભાગ દ્વારા બે દીપડાને પાંજરે પૂર્યા બાદ વધુ એક દીપડો આ વિસ્તારમાં હોવાથી તેને ઝડપવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. દીપડાને ઝડપવા માટે વનવિભાગની ટીમ ત્રણ દિવસથી પ્રયાસો કરી રહી છે પણ દીપડો પાંજરે પુરાતો નથી.
એક દીપડાને ઝડપવા 3 દિવસથી ઓપરેશન ચાલુ
સાજીયાવદર ગામમાં ત્રણ દીપડાઓએ ધામા નાખતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. છેલ્લા પાંચ દિવસ દરમિયાન વનવિભાગ દ્વારા બે દીપડાને પાંજરે પૂરી દેવાયા છે. પરંતુ, માનવ વસાહતમાં જ રહેવા ટેવાયેલો એક દીપડો હજી પણ વનવિભાગને હાથ લાગ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી વનવિભાગની ટીમને રીતસરનો હંફાવી રહ્યો છે.
દીપડાના રેસ્ક્યુ માટે ટ્રાન્કિવલાઈઝર ગનનો ઉપયોગ
સાજીયાવદર ગામમાં આંટાફેરા કરી રહેલા એક દીપડાને ઝડપવા માટે વનવિભાગ દ્વારા બે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે પણ ઝડપાઈ નથી રહ્યો. જેથી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ટ્રાન્કિવલાઈઝર ગનનો પણ ઉપયોગ કરાયો હતો તેમાં પણ સફળતા મળી ન હતી. દીપડાને ઝડપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે પાંજરા ગોઠવી વધુ ટીમોને ઉતારવાનો નિર્ણય લેવાયો છે.
સદનસીબે હજી સુધી હુમલાની ઘટના નથી બની
સાજીયાવદર ગામમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન બે દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છે અને એક હજી આ જ વિસ્તારમાં ફરી રહ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, દીપડા દ્વારા હજી સુધી કોઈને નુકસાન પહોંચાડાયું નથી. જો કે, ગામલોકોનો ડર હજી ઘટ્યો નથી.
લીલીયા રેન્જના આર.એફ.ઓ હિરેન પટેલ સહિત ફોરેસ્ટર, સ્ટાફ, ટ્રેકરોએ ગામમાં રીતસર ધામાં નાખી દીધા છે અને રહેણાંક વિસ્તારમાં પાંજરા ગોઠવી દીધા છે. આ.એફ.ઓ.હિરેન પટેલના કહેવા પ્રમાણે દીપડાને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, દીપડાને ટ્રાન્કિવલાઈઝર કરવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.