બાબરા પંથકમા પાછલા કેટલાક દિવસોથી પવનચક્કી મુદે કોઇને કોઇ વિવાદ સામે આવી રહ્યો છે. ત્યારે અહીના રાયપર ગામની સીમમા માલિકીની જમીનમા કોઇ મંજુરી વગર જ પવનચક્કીના વિજપોલ ઉભા કરી દેવામા આવતા બે શખ્સો સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.
માલિકીની જમીનમા મંજુરી વગર પવનચક્કીના વિજપોલ ઉભા કરી દેવાયાની આ ઘટના બાબરા તાલુકાના રાયપર ગામની સીમમા બની હતી. રાજકોટના હલેન્ડામા રહેતા ધર્મેશભાઇ ધીરૂભાઇ ડાંગર (ઉ.વ.38) નામના યુવાને બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના કુટુંબી ભાઇ મયુરભાઇ બચુભાઇ ડાંગર તેના પરિવાર સાથે લંડનમા રહે છે. અને આશાબેન મયુરભાઇ ડાંગરની માલિકીની જમીન રાયપર ગામની સીમમા ચરખા રોડ પર ખાતા નંબર 305 સર્વે નં.38/2ની 0-80-94 હે.આરે-ચો.મી જમીન આવેલી છે.
ગત તારીખ 13/10ના રોજ આશાબેન ડાંગરે તેની માલિકીની જમીન અંગે ધર્મેશભાઇને પાવર ઓફ એટર્ન આપેલ છે. ગત તારીખ 7/10ના રોજ મયુરભાઇ તેના પરિવાર સાથે લંડનથી રાજકોટ આવ્યા હતા ને બાદમા રાયપર ગામની સીમમા જમીને આંટો મારવા ગયા હતા. જયાં પવનચક્કીના વિજપોલ નાખેલ હોય તે બાબતે તેમણે તપાસ કરતા વીણા પાવર એનર્જી નામની કંપનીએ આ પોલ નાખ્યા હોવાનુ જાણવા મળેલ. કંપનીના લાયઝન વલકુભાઇ ભીખાભાઇ દાંતી અને દિલીપભાઇ લાભુભાઇ બકુત્રાએ આ વિજપોલ નખાવ્યા હતા. તેમણે કોઇપણ પ્રકારની મંજુરી લીધી ન હોય ગેરકાયદેસર માલિકીની જમીનમા આ વિજપોલ ઉભા કરી દીધા હતા. બનાવ અંગે પીઆઇ આર.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.