ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો:રાજુલાના મુખ્ય બજારમાં બેન્કનું ATM તોડી ચોરી આચરનારા બે શખ્સો ઝબ્બે, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભાંડો ફોડ્યો

અમરેલી12 દિવસ પહેલા
  • રાજુલા પોલીસ ટીમે ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં બંને શખ્સને દબોચી લીધા
  • મેનેજરે 4500 રોકડા અને 2 લાખના નુકસાનની પોલીસ ફરિયાદ નોંધાવી હતી

ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં એટીએમ તોડી ચોરી કરવાની ઘટના વધી રહી છે. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરના મુખ્ય બજારમાં આવેલા આઈ.ડી.બી.આઈ બેન્કના એટીએમમાં રાત્રીના સમયે 2 અજાણ્યા ઈસમો એટીએમ તોડવા માટે હથિયારો લઈ આવ્યા હતા. જેમાંથી 1 શખ્સ બહાર દરવાજામાં રેકી કરતો સીસીટીવીમાં નજરે પડ્યો હતો. આ ઇસમોએ એટીએમ તોડી રૂ. 4500 રૂપિયાની ચોરી કરી હતી. એટીએમમાં વધુ રૂપિયા હતા પરંતુ બહાર વાહનોની અવર જવરના કારણે ચોરી કરનારા શખ્શો માત્ર રૂ. 4500 રૂપિયાની ચોરી કરી શક્યા હતા. જેના બાદ તોડફોડ કરી તેઓ નાસી છૂટ્યા હતા. જેમને સીસીટીવીના આધારે રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

સીસીટીવી ચેક કરતાં ચોરી થયાનું સામે આવ્યું
એટીએમમાં ચોરી થયા બાદ સવારે બેન્ક દ્વારા તોડફોડના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતાં ચોરી થયાનું સામે આવ્યું હતું. જેમાં બેંકના મેનેજરે 4500 રોકડા અને 2 લાખના નુકસાનની રાજુલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમરેલીના SP હિમકર સિંહ, DYSP કે.જે.ચૌધરી દ્વારા રાજુલા પી.આઈ.અંકુર દેસાઈને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે રાજુલા પોલીસે જુદી જુદી દિશામાં સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી.

ફુટેજના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી
રાજુલા પોલીસે ​​​​​​​બેંકના સીસીટીવી ફૂટેજ કબજે લઈ ખાનગી રાહે તપાસ કરતાં તેમના કપડાના પહેરવેશ પરથી રાજુલાના રીગણીયાળા ગામના 2 યુવાનોની ધરપકડ કરી હતી. જેમાં આરોપી કિરીટ હિંમતભાઈ મારૂ અને જેન્તી ડાયાભાઈ મયાત્રાની પૂછપરછ બાદ તેમણે કબૂલાત કરી હતી. રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલા બેંકના એટીએમમાં ચોરી થયાની ઘટનાને લઈ સમગ્ર શહેર અને અન્ય બેંકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે રાજુલા પીઆઈ અંકુર દેસાઈ અને તેમની પોલીસ ટીમના સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...