ભાસ્કર એક્સક્લુઝિવ:આવતા વર્ષે સારૂં ઘાસ થાય તે માટે ડુંગર નવડાવવા જાણી જોઇને લગાડાય છે દવ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીરકાંઠામાં રેવન્યુ વિસ્તારમાં 25 દિવસમાં દવ લાગ્યાની 10 ઘટના !!
  • જંગલમાં માત્ર એક જ વખત દવ લાગ્યો અને તે પણ રેવન્યું વિસ્તારમાંથી પ્રસર્યો હતો

દિલીપ રાવલ ઉનાળાના સમયમા સુકા ઘાસનો પ્રદેશ ગણાતા ગીર જંગલમા દવની ઘટના બને છે પણ તે ભાગ્યે જ બને છે. દવની સૌથી વધુ ઘટના ગીરકાંઠાના પ્રદેશમા બને છે. અહી માલઢોર માટે પૌષ્ટિક ગણાતુ ઉંચુ ઘાસ ઉગે છે. પરંતુ ઉનાળામા ઘાસનો જથ્થો ઘટી ગયો હોય ત્યારે આવતા વર્ષે અહી ફરી સારૂ ઘાસ ઉગે તે માટે જાણી જોઇને પણ દવ લગાવવામા આવે છે. અહીના લોકો તેને ડુંગર નવડાવ્યો તેમ કહે છે. પાછલા 25 દિવસના ગાળામા જુદાજુદા વિસ્તારમા આવા દવની 10 ઘટના બની ચુકી છે.

ડુંગર નવડાવવાની આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. સામાન્ય રીતે મધ્ય ઉનાળો પહોંચે ત્યાં સુધીમા ડુંગરોનુ મોટાભાગનુ ઘાસ પશુઓ ચરી ચુકયા હોય છે. આવનારા બે મહિના ઘાસચારા માટે કપરા રહેવાના હોય તેવી સ્થિતિ વચ્ચે પણ કમસેકમ આવતુ વર્ષ પશુઓના ચારા માટે સારૂ રહે તે માટે અહીના માલધારીઓને ડુંગર નવડાવવો જરૂરી લાગે છે. જો દવમા ડુંગરની બચીકુચી વનસ્પતિ આગમા નાશ પામે તો વરસાદ પડયા બાદ નવો ઘાસચારો ખુબ સારી રીતે ઉગી નીકળે છે. પાછલા દિવસો દરમિયાન ખાંભા, ધારી અને કુંડલા પંથકમા લાગેલા દવ ડુંગર વિસ્તારમા જ લાગ્યા છે.

દવની ઘટના જંગલમા પણ સામાન્ય રીતે બનતી હેાય છે. પરંતુ આ વિસ્તારમા જંગલમા માત્ર એક વખત મિતીયાળા અભ્યારણ્યમા દવ લાગ્યો હતો. પરંતુ આ દવ રેવન્યુ વિસ્તારમાથી જંગલમા પ્રવેશ્યો હતો. જેના પર વનવિભાગે મહામુસીબતે કાબુ મેળવ્યો હતો. ખાંભા પંથકમા લાપાળા ડુંગર આસપાસ ત્રણ વખત દવ લાગી ચુકયો છે. અહી પાંચ ડુંગરમા વન્યસૃષ્ટિ નાશ પામી છે. આવી જ રીતે પતરમાળાના ડુંગરોમા પણ દવથી ચાર ડુંગરમા ઘાસચારો અને અન્ય વનસંપતિ બળી ગઇ છે. આ ઉપરાંત લાહો ડુંગર, છાપરડા ડુંગર વિગેરે ડુંગરમા દવની ઘટનાઓ બની ચુકી છે. આ તમામ ડુંગરોમા પશુઓ માટે ખુબ જ પૌષ્ટિક ઘાસ ઉગી રહ્યું છે.

કયા કયા ડુંગર પર લાગી ચુકયો છે દવ ?
છેલ્લા 25 દિવસમા લાપાળા ડુંગર અને આજુબાજુના ડુંગરોમા ત્રણ વખત દવની ઘટના બની છે. આ ઉપરાંત લાહો ડુંગર તથા છતડીયા ડુંગરમા પણ આગ લાગી હતી. પતરમાળમા આગ લાગતા કુલ પાંચ ડુંગરમા આગ પ્રસરી હતી. દવની 10 ઘટનામાથી 7 ઘટના ખાંભા તાલુકામા બની હતી.

ખાનગી વીડી અને સરકારી ખરાબામાં જ દવ
દવની મોટાભાગની ઘટના આ વિસ્તારની ખાનગી વીડીઓમા બની છે. આ ઉપરાંત સરકારી ખરાબા અને ગૌચરની જમીનમા દવની ઘટના બની રહી છે. અને મોટાભાગની આગ જાણી જોઇને લગાડાઇ રહી છે.

​​​​​​​આવા કારણથી પણ પ્રસરે છે દવ
જંગલમા તો વૃક્ષો વચ્ચેના ઘર્ષણથી ચીંગારી બને તો દવ પ્રસરી જાય છે. પરંતુ ગીરકાંઠાના રેવન્યુ વિસ્તારમા માલધારીઓ બીડી સીગરેટના ઠુંઠા ફેંકે અથવા સીમમા ચા પાણી બનાવ્યા બાદ આગ યોગ્ય રીતે ન ઠારે તો દવ પ્રસરી જાય છે. ઘણી વખત ગેરકાયદે ધમધમતી દારૂની ભઠ્ઠીઓના કારણે પણ દવ પ્રસરે છે. અને કયારેક ડુંગર નવડાવવા પશુપાલકો જાતે જ આગ લગાવે છે.

અન્ય સમાચારો પણ છે...