નાની જીવાત આફત બનીને આવી:અમરેલીના કેરિયાચાડમાં કપાસના વાવેતરમાં ગધેયા નામની જીવાત આવતા ખેડૂતો પરેશાન

અમરેલી14 દિવસ પહેલા
  • કપાસમાં જીવાતની સમસ્યાનું સરકાર નિરાકરણ લાવે તેવી ખેડૂતોએ માગ કરી

અમરેલીના કેરિયાચાડ વિસ્તારમાં મોટાપ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં આશરે 5 હજાર એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ કપાસમાં ગધેયા નામની જીવાત આવી જતા ખેડૂતો મુસ્કેલીમાં મુકાયા છે. જે જીવાત સૌ પ્રથમ કપાસના બિયારણને ખાય જાય છે. તેમજ જો બિયારણ બચી જાય તો કપાસના કુમળા છોડને કોરી ખાય છે જેના પરિણામે ખેડૂતોની પરેશાની વધી ગઈ છે.

જીવાતનો નાશ કરવા ખેડૂતોએ અનેક પ્રયાસો કર્યા
આ વિસ્તારના ખેડૂતોએ જીવાતને નષ્ટ કરવા અનેક પ્રકારના ઉપાયો કર્યા પરંતુ તેમાં સફળતા મળતી નથી. કેરિયાચાડ વિસ્તારમાં આ નવા જ પ્રકારની ઉત્પત્ત થયેલી જીવાતથી બચવા માટે ખેડૂતોએ બે થી ત્રણ વખત કપાસનું વાવેતર કર્યુ તેમ છતાં આ જીવાતનો નાશ થતો નથી. કેટલાક ખેડૂતોએ રપટો હાંકીને જીવાતને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ જીવાત દવા કે અન્ય ઉપાયોથી પણ નાશ થતી નથી. હજારો વિઘામાં વાવેતર કરાયેલો કપાસનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. જેથી ખેડૂતોમાં સતત ચિંતા જોવા મળી રહી છે. ખેતીવાડી વિભાગ અને સરકાર આ સમસ્યાનું નિરાકરણ લાવે અથવા ખેડૂતોને સહાય કરે તેવી માગ કરવામાં આવી છે.

કપાસના કુમળા છોડને પણ જીવાત કોરી ખાય છેકેરિયાચાડ ગામના ખેડૂત અશોક કીકાણીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 5 હજાર વિઘામાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. પહેલા વધુ વરસાદના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારબાદ ફરીથી કપાસનું વાવેતર કર્યું હતું. જોકે, તેમાં ગધેયા નામની જીવાત આવી છે. આ જીવાત બિયારણને ખાય જાય છે. તેમજ જો કપાસના કુમળા છોડને પણ કોરી ખાય છે. ખેડૂતો દવાનો છટકાવ કરે છે પરંતુ તેમ છતાં જીવાત નષ્ટ થતી નથી. સરકાર આ બાબતે કોઈ વિચારણા કરી ખેડૂતોને રાહત આપે એવી અમારી માગ છે.
​​​​​​​ખેતીવાડી સ્ટાફે ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી
​​​​​​​
અમરેલી ખેતીવાડી વિસ્તરણ અધિકારી સચિન પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કેરિયાચાડ ગામના ખેડૂતોની ગધેયા નામની જીવાત માટેની ફરિયાદો આવી હતી. જે ખેતીવાડી ફિલ્ડ સ્ટાફે ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જીવાતોને કેવી રીતે દૂર કરી શકાય તે માટે માર્ગદર્શન તેમજ જરૂરી સૂચના આપી હતી. આ જીવાત ઉપર દવાનો છટકાવ કરતા હોવ ત્યારે ખાસ છોડના થડ સુધી દવાનો છટકાવ કરવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. વરસાદના સમયે 15 દિવસ માટે આ જીવાતો આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...