પ્રજાના પૈસાનું પાણી:દામનગરમાં નગર પાલિકાએ શાકભાજીના વેચાણ માટે બનાવેલા 14 બાંકડા દયનિય હાલતમાં

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષથી બાંકડા શરૂ કરવાની મંજૂરી ન મળતાં તે શોભાના ગાંઠિયા સમાન બન્યા

ગુજરાત સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે અને વિકાસ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. તો બીજી તરફ ગુજરાત સરકારની નગરપાલિકાઓ જ પ્રજાના પૈસાનું પાણી કરી રહી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં નગરપાલિકા દ્વારા આજથી 10 વર્ષ પૂર્વે શાકભાજીના વેચાણ માટે 14 બાંકડા બનાવવામાં આવ્યા હતા. પરંતુ નગર પાલિકાએ બાંકડા શરૂ કરવા મંજૂરી ન આપતાં આ બાંકડાની હાલત ભંગાર કરતા પણ બદતર બની ગઈ છે.

દામનગર નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવાયેલા બાંકડા શાકભાજી વેચતા લોકોને ઉપયોગમાં આવી શકે તે અનુરૂપ તૈયાર કરવામાં આવ્યા હતા. દામનગર નગરપાલિકાએ પ્રાથમિક શાળા નંબર 1ની દીવાલ નજીક આ બાંકડાનું નિર્માણ કર્યુ હતું. પણ નગરપાલિકાના શાસકોએ તેને ગંભીરતાથી નહિ લેતાં આજે દામનગરના આ શાકભાજીના બાંકડાની સ્થિતિ અત્યંત ખરાબ છે.

દામનગર નગરપાલિકાએ લાખોનો ખર્ચ કરીને પ્રાથમિક શાળા નંબર 1ની દીવાલની બાજુમાં જ આ બાકડા બનાવ્યા હતા. પરંતુ 10 વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં આ બાકડા શરૂ કરવા માટે મંજૂરી નથી મળી જેના કારણે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાની બનાવેલી મિલકત રેઢિયાળ બની ગઈ છે. 10 વર્ષથી તેને શરૂ કરવાની પરવાનગી કેમ ન આપી તેવા સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે એક જાગૃત નાગરિક અતુલ શુક્લાએ કહ્યું હતું કે નગરપાલિકાની બેદરકારીના કારણે 10 વર્ષથી આ બાંકડા શરૂ કરવાની મંજૂરી મળી નથી. ગુજરાતમાં વિકાસના પ્રવાહમાં આ બાંકડા જલ્દી શરૂ થાય તે જરૂરી છે, આ અટકેલી પ્રક્રિયા નો ઝડપી સુખદ અંત લાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...