ઘરકંકાસના કારણે પરિવાર વિખેરાયો:અમરેલીના ચલાલામાં માતાએ બે માસૂમ પુત્રીઓ સાથે સળગી જઈ આત્મહત્યા કરી, ત્રણ વર્ષની બાળકી તો ઘોડિયામાં જ ભડથું થઈ

અમરેલી12 દિવસ પહેલા
બે પુત્રીઓ સાથે માતાની ફાઈલ તસવીર
  • પતિ-પત્ની વચ્ચે ચાલતો ઘરકંકાસ સમગ્ર મામલા માટે જવાબદાર હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો

અમરેલીના ચલાલામાં એક પરિણીતાએ પોતાના ઘર પર જ ઘરકંકાસથી તંગ આવી બે માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક પરિણીતાની ઉમર 40 વર્ષ જ્યારે એક પુત્રીની 14 અને એકની 3 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

પતિની ગેરહાજરીમાં પરિણીતાએ પગલું ભર્યું
અમરેલીના ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ દેવમુરારિ ચલાલામાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. આજે તેઓ પોતાની ઘંટી પર હતા ત્યારે જ તેને તેના પાડોશીઓ દ્વારા પોતાના મકાનમાં આગ લાગી હોવાની જાણ કરવામા આવી હતી. ભરત દેવમુરારિ તાબડતોડ પોતાના ઘર પહોંચ્યા હતા. આગના પગલે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘરમાંથી સોનલબેન ભરતભાઈ દેવમુરારિ (ઉ.વ.40 વર્ષ), પુત્રી હિતાલી (ઉ.વ.14 વર્ષ) અને પુત્રી ખુશી (ઉ.વ.3) સળગેલી હાલતમાં મળી આવ્યા હતા.

ઘરકંકાસના કારણે પરિવારનો માળો વિખેરાયો
ઘટનાની તપાસ કરી રહેલી અમરેલી પોલીસનું માનીએ તો, ભરત દેવમુરારિ અને તેના પત્ની સોનલબેન વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. જેના કારણે જ સોનલબેને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહોનું પેનલ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ વર્ષની માસૂમ ખુશી તો ઘોડિયામાં જ ભડથું થઈ
બે માસૂમ પુત્રીઓ સાથે સળગી જઈ આત્મહત્યાના આ બનાવ બાદ ઘટનાસ્થળ પર હ્રદયમાં કંપારી છોડાવી દેનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ત્રણ વર્ષની માસૂમ બાળકીનો તો ઘોડિયામાંથી જ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

અેકાદ સપ્તાહ પહેલા જ પત્ની પીયરથી અાવી હતી
ભરત દેવમુરારીની પત્ની અગાઉ દસેક વર્ષ રીસામણે રહી હતી અને પાંચ વર્ષ પહેલા સમાધાન થતા તે પત્નીને તેડી લાવ્યાે હતાે. ત્યારબાદ બીજી પુત્રીની ડિલેવરી માટે પત્ની પીયરમા ગઇ હતી અને થાેડા દિવસ પહેલા જ પતિ પાસે પરત અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...