સમસ્યાં:અમરેલીમાં ત્રણ જિલ્લાને જોડતા બેઠા કોઝવે પર નદીના પાણી વહી પડતા વાહન ચાલકો પરેશાન

અમરેલી12 દિવસ પહેલા
  • તંત્ર દ્વારા આ કોઝવેને નવો બનાવવા માટે માત્ર સર્વે કામગીરી કરાય છેવાહન ચાલકો તેમજ પગપાળા જતા લોકો લપસી રહ્યા છે

અમરેલી જિલ્લામાં આવેલા બોટાદ, ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લાને જોડતો કોજવે પર નદીના પાણી વહી રહ્યા છે. જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઉભી થઈ છે. દામનગર શહેરથી ઢસા તરફ જતો બેઠો કોઝવે અને જૂની મૂળીયાપાટ વચ્ચે રંઘોળી નદીના કોઝવે ઉપર પુલ બનાવવાની માંગ હતી, પરંતુ આ માંગને હજુ સુધી નહિ સ્વીકારતા મુશ્કેલી હવે વધી રહી છે. અહીં પુલ પર સતત નદીના પાણીના કારણે ચીકાસ જામી રહી છે જેના કારણે વાહન ચાલકો તેમજ પગપાળા જતા લોકો લપસી રહ્યા છે અને નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. સ્થાનીક લોકો દ્વારા તંત્ર અને જિલ્લા પંચાયત વિભાગને વાંરવાર રજૂઆત કરી હોવા છતાં અહીં કોઈ ગંભીરતા પૂર્વક ધ્યાન આપતું નથી. અહીં માત્ર તંત્ર દ્વારા એક થી બે વખત સર્વે કરાયો છે પરંતું ત્યારબાદ કોઈ નવા પુલની કામગીરી હજુ સુધી શરૂ કરાઇ નથી. જેના કારણે આસપાસના ગામડાના લોકો અને અન્ય જિલ્લામાંથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ચોમાસામાં વધુ સમસ્યા જોવા મળે છે

ચોમાસાના કારણે અહીં વધુ પડતી સમસ્યા સામે આવી રહી છે. ચોમાસામાં નદીમાં પાણીની ભરપૂર આવકના કારણે પાણી સતત પુલ ઉપર ચાલતું જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકો કેટલીય વખત અટવાય છે અને જોખમી રીતે પસાર થતા હોય છે.

સ્થાનીક અગ્રણી મહિલા સરપંચના પ્રતિનિધિ સંજયભાઈએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષથી અહીં આ પ્રશ્ન છે. અમે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાસંદ સભ્ય બધાને આ અંગે ધ્યાન દોર્યુ છે. જોકે, કોઈ ધ્યાન આપતું નથી. ત્યારે હવે આ સમસ્યાને લઈ સરકાર અમારી મદદ કરે તેવી અમારી માંગ છે, અત્યારે કોઝવે પર લોકો તો ઠીક પરંતુ અત્યારે પશુ પણ ચાલી શકતા નથી, તેમજ કોઝવેમાં સતત પાણીને લઈ લોકો લપસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...