અમરેલીના રજુલા, જાફરાબાદ વિસ્તારમાં સાંસદ અને ધારાસભ્ય દ્વારા અધિકારીઓ સાથે લોકોની રજૂઆતો સાંભળવા પ્રવાસ શરૂ કરાયો છે. આ પ્રવાસમાં સાંસદ અને ધારાસભ્ય લોકોની રજૂઆતો સાંભળી છે અને કેટલીક સમસ્યાઓ અંગે અધિકારીઓને ખખડાવતા પણ જોવા મળ્યા છે. આ પ્રવાસમાં મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ સાંસદ અને ધારાસભ્યો સાથે છે. જેથી મોટાભાગની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ આવી રહ્યો છે. સમસ્યાઓનો નિરાકરણ તાત્કાલિક થતા ગ્રામવાસીઓ ઉત્સાહભેર યાત્રાનો સ્વાગત કરી રહ્યા છે.
સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય હીરા સોલંકીએ લોકોના પડતર પ્રશ્નનો સાંભળવા પ્રવાસ શરૂ કર્યો છે. તાલુકા પંચાયતની બેઠક મુજબ ગામડે-ગામડે પ્રવાસ ચાલી રહ્યો છે. તમામ વિભાગના કર્મચારી-અધિકારીઓના કાફલા સાથે ગામડે લોકો સાથે બેઠકો કરી રજૂઆતો સાંભળી રહ્યાં છે. સામાન્ય નાગરિકથી લઈ સરપંચ, તાલુકા પંચાયત સભ્યો, જીલા પંચાયત સભ્યો રજૂઆતો કરી રહ્યાં છે. ગામની કેટલીક સમસ્યાઓ અંગે અધિકારીઓને સાંસદ ખખડાવતા પણ જોવા મળ્યા છે. લોકો સ્થાનિક સમસ્યા અંગે મોટી સંખ્યામાં રજૂઆતો કરવા માટે આવી રહ્યા છે. અલગ અલગ 34 જેટલા વિભાગના 60 જેટલા કર્મચારી અધિકારીઓનો કાફલો સાથે ઉપસ્થિત રહે છે. જેના કારણે મોટાભાગે સ્થાનિક લોકોની સમસ્યા સ્થળ ઉપર જ હલ થાય છે.
સાંસદ અધિકારીઓની પોતે હાજરી પૂરે છે
બીજી તરફ આ અધિકારીઓ અને કર્મચારીઓ દરરોજ ફરજિયાત હાજર રહે તે માટે સાંસદ પોતે સવારે હાજરી પૂરે છે અને તપાસ કરે છે. જેથી તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ શરૂ થતાં લોકોની સમસ્યાઓ ઉકેલાય રહી હોવાને કારણે ઉત્સાહ સાથે યાત્રાને આવકારી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન સાંસદ નારણ કાછડીયા,ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી પીઠા નકુમ, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુ ખુમાણ, ખરીદ વેચાણ સંઘ પ્રમુખ જીજ્ઞેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મીઠા લાખણોત્રા સહિત આગેવાનો પણ જોડાઈ રહ્યાં છે.
આ નવતર પ્રયાસ છેઃ ધારાસભ્ય
ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું અમારો પ્રવાસ તાલુકા પંચાયતની સીટ મુજબ ચાલુ છે. લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આવી રહ્યાં છે. મોટાભાગે રજૂઆતોનું સ્થળ ઉપર જ નિરાકરણ આવી રહ્યું છે. અધિકારીઓ કર્મચારી પણ સાથે ઉપસ્થિત રહે છે. સરકાર લેવલની રજૂઆતો આવે તો સરકાર સુધી રજૂઆતો કરી લોકોની સમસ્યાઓ દૂર કરીશુ, પરંતુ અમે પ્રવાસમાં જઈ રહ્યાં છીએ, ત્યારે દરેક વર્ગના લોકો ખૂબ ઉત્સાહથી આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.