વાવેતર:રાજુલા- જાફરાબાદના 21 ગામમાં વરસાદની ખેંચથી પાક પર ખતરો

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજુલા અને જાફરાબાદના ધરતીપુત્રો કાગારોળે વરસાદની રાહ જોઇ રહ્યાં છે. - Divya Bhaskar
રાજુલા અને જાફરાબાદના ધરતીપુત્રો કાગારોળે વરસાદની રાહ જોઇ રહ્યાં છે.
  • કોરા ખેતરમાં વાવેતર બાદ માત્ર ઝાપટાં સ્વરૂપે જ વરસાદ પડ્યો છે
  • અન્ય વિસ્તાર કરતા ઉલટી સ્થિતિ : એકાદ સપ્તાહમાં વરસાદ નહી થાય તો પાક બળી જશે

ઓણસાલ અમરેલી જિલ્લામા મેઘરાજાની મહેરબાની સારી જોવા મળી રહી છે. પરંતુ જયાં સૌથી વધુ વરસાદ પડે છે તે રાજુલા જાફરાબાદ તાલુકામા વરસાદ ખુબ ઓછો છે. જેના કારણે આ બંને તાલુકાના 21 ગામોમા પાક બળી જવાની ભીતિ ઉભી થઇ છે. અહીના ખેડૂતો મેઘરાજા મહેરબાની કરે તેવી આશાભરી મીટ આકાશ તરફ માંડી બેઠા છે.

વડીયા, ખાંભા, સાવરકુંડલા સહિતના તાલુકામા અત્યાર સુધી મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. બલકે જુલાઇના અંત સુધીમા અહી સરેરાશથી વધુ વરસાદ પડી ગયો છે. પરંતુ દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ તાલુકામા સ્થિતિ ઉલટી છે. આમ તો અહી દર ચોમાસામા સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ ઓણસાલ જિલ્લામા સૌથી ઓછો વરસાદ આ બંને તાલુકામા થયો છે. જેની વિપરીત અસર અહી ખેતીવાડીમા જોવા મળી રહી છે.

જાફરાબાદના લોઠપુર, લુણસાપુર, કાગવદર, ફાચરીયા, બાલાની વાવ તથા રાજુલાના આગરીયા, વાવેરા, સાજણવાવ, મોભીયાણા વિગેરે ગામના ખેડૂતોએ ચોમાસાના આરંભ પહેલા જ કોરા ખેતરમા મહદઅંશે કપાસનુ વાવેતર કરી દીધુ હતુ. અહીના ખેડૂતોને ધરતીને તરબતર કરે તેવા વરસાદની આશા હતી પરંતુ આ વાવેતર પર અત્યાર સુધી માત્ર છુટોછવાયો વરસાદ પડયો છે.

જેના કારણે આ બંને તાલુકાના 21 ગામોમા હાલમા પાકની સ્થિતિ સારી નથી. તેમા પણ છેલ્લા બે દિવસથી આકરો તાપ પડી રહ્યો હોય જમીનનો ભેજ ઝડપથી સુકાઇ રહ્યો છે. અહીના ખેડૂતો કહી રહ્યાં છે કે જો એકાદ સપ્તાહમા વરસાદ નહી થાય તો પાક બળી જશે. બીજી તરફ જિલ્લાના અન્ય મોટાભાગના વિસ્તારોમા આગામી એકાદ પખવાડીયા સુધી વરસાદ ન આવે તો પાકને વાંધો નહી આવે.

જાફરાબાદ તાલુકામાં માત્ર 31 ટકા વરસાદ
અમરેલી જિલ્લામા સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામા માત્ર 31.54 ટકા થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની સરેરાશ જોઇએ તો દર વર્ષે 707મીમી વરસાદ પડે છે. પરંતુ અત્યાર સુધીમા માત્ર 223 મીમી વરસાદ થયો છે.

ક્યા- ક્યા ગામમાં વિકટ સ્થિતિ ?
જાફરાબાદના હેમાળ, નાગેશ્રી, માણસા, લોઠપુર, લુણસાપુર, કાગવદર, ટીંબી, લોર, ફાચરીયા, બાલાની વાવ વિગેરે ગામ તથા રાજુલાના નાના મોટા આગરીયા, વાવેરા, સાજણવાવ, મોભીયાણા, મોરંગી, બાલાપુર, મછુંદ્રા, નવાગામ, છાપરી, ડોળીયા વિગેરે ગામમા પાક પર ખતરો છે.

ખાલામાં વણ રોપી પાક બચાવવા પ્રયાસ
આ વિસ્તારના ખેડૂતો કપાસમા જયાં જયાં ખાલા પડી ગયા છે ત્યાં નવેસરથી વણ રોપી પાક લેવા મથી રહ્યાં છે. રાતના સમયે કપાસનુ બિયારણ માટી અને પાણીમા ભેળવી બીજા દિવસે આ બિયા ખેતરમા સોપવામા આવે છે. જેથી બિયારણ સરળતાથી ઉગી નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...