તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આફતને લઈ એલર્ટ:અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે, 16 થી 18 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી

અમરેલી2 મહિનો પહેલા
18 તારીખે ગુજરાતના દરિયાકાંઠે સંભવિત વાવાઝોડું ટકરવાની આગાહી
  • દરિયામાં ગયેલા માછીમારોને પરત ફરવા આદેશ કરાયા
  • ગુજરાતમાં NDRFની 15 ટીમ સ્ટેન્ડ બાય રાખવામા આવી

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામા આવી છે. સંભવિત વાવાઝોડા 'તૌકતે'ની આગાહીના પગલે આગામી 16 થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દેવામા આવ્યા છે. દરિયામાં ગયેલા માછીમારોને પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો સાથે્ સંભવિત આફતને પહોંચી વળવા માટે ગુજરાતમાં NDRFની 15 ટીમ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામા આવી છે.

વલસાડના તિથલ બીચનો દરિયાકાંઠો
વલસાડના તિથલ બીચનો દરિયાકાંઠો

વલસાડમાં દરિયાકાંઠાના 1 કિમી વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા
સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે વલસાડ જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. આગાહીના પગલે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામા આવી હતી. જેમાં કલેકટરે તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે.

વલસાડ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સાથે અધિકારીઓની મળેલી એક બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં સમુદ્ર કિનારે આવેલા ગામોમાં એક કિલોમીટરની ત્રિજ્યામાં સ્થાનિક લોકોને એલર્ટ કરવા અને જરૂર જણાય તો તાત્કાલિક સ્થળાંતર કરવા પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં વાવાઝોડામાં ઓછી નુકશાની થાય અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પગલાં ભરવા કલેક્ટરને સૂચના આપી હતી.

અધિકારીઓને પોતાનું હેડ ક્વાર્ટર ના છોડવા સૂચના
સંભવિત 'તૌકતે' વાવાઝોડાને લઇ વલસાડ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ તિથલ સહિતના 28 ગામોમાં સ્થાનિક તંત્રને બાજ નજર રાખવા કલેકટરે આદેશ આપી દીધા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેકટર આર આર રાવલે એક બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી ,મામલતદાર અને અને જેતે ગામના તલાટીને પોતાનું હેડક્વાટર ન છોડવા પણ કડક સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વલસાડ જિલ્લાના માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જરુર પડે તો સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવા સૂચના અપાઈ
ઉલ્લેખનીય છે કે વલસાડ જીલાના ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાને અડીને આવેલા દરિયા કિનારાના ગામોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડું આવે તે સમયે ઓછી નુકશાની થાય તેવા આગોતરા પગલાં ભરવા જરૂર જણાય તો સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા જેવી અગત્યની સૂચનાઓ કલેક્ટર દ્વારા જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જયારે જિલ્લો કોરોનાનો પ્રકોપ સામે લડી રહ્યું છે. જેથી તમામ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે વલસાડનું જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની સાથે સાથે વાવાઝોડાના ખતરા નો સામનો કરવા પણ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે.

વલસાડ જિલ્લાની માફક અમરેલી જિલ્લા પ્રશાસન પણ સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટ બન્યું છે.જાફરાબાદ બંદરેથી દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે.

જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી આપવામા આવી છે. તો બીજી તરફ બંદરથી માછીમારી માટે ગયેલી 700 જેટલી બોટ હાલ દરિયામાં છે. તેને કિનારા પર પરત લાવવા માટેના પ્રયાસો શરૂ ર્યા છે. જોકે, વાતાવરણ ખરાબ હોવાના કારણે માછીમારોનો વાયરલેસ પર સંપર્ક ના થતા મુશ્કેલી સર્જાઈ છે.

માછીમારોને કિનારે પરત ફરવા સૂચના આપવામા આવી
માછીમારોને કિનારે પરત ફરવા સૂચના આપવામા આવી

જાફરાબાદ બોટ એસોસિએસનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કહ્યું હતું કે, સરકાર ઝડપથી બોટ પરત લાવવા માટે દબાણ કરી રહી છે. પરંતુ, હાલ વાતાવરણ ખરાબ હોવાના કારણે માછીમારોનો સંપર્ક થઈ શકતો નથી. છતા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. પ્રમુખે કહ્યું કે, અમે 10 વર્ષથી માછીમારોને સેટેલાઈટ ફોન આપવાની માગ કરી રહ્યા છીએ પરંતુ અમારી માગણી પર ધ્યાન આપવામા આવતું નથી.

કચ્છ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ બન્યું
અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલું સંભવિત વાવાઝોડું 18 તારીખ આસપાસ કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. જેના પગલે કચ્છ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ બન્યું છે.મહત્વનું છે કે, કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલા જ માછીમારોને કિનારે પરત ફરવાની સૂચના આપવામા આવી હતી.જિલ્લાના કોટેશ્વરના દરિયામાં હાલ વૈશાખ મહિનાનો જોરદાર પવન ફૂંકાતા દરિયા કિનારે મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે.દરિયો તોફાની બનતા બીએસએફની બોટ પણ ઓપરેટ કરવામા આવી હતી.

જામનગર જિલ્લાના દરેક તાલુકામાં ક્લાસ-1 અધિકારીની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક​​​​જામનગરમાં તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર રવિશંકરની આગેવાની હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.જિલ્લામાં તૌકતે સાયકલોનને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

વાવાઝોડાની આગાહીના પગલે વહીવટીતંત્રની બેઠક યોજાઈ
વાવાઝોડાની આગાહીના પગલે વહીવટીતંત્રની બેઠક યોજાઈ

દરિયા કાંઠા વિસ્તારના ગામડાઓમાં આશ્રયસ્થાનો નક્કી કરવામા આવ્યા
જિલ્લા કલેક્ટર ની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસુલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે.દરિયાથી 5 કી.મી. તથા 10 કી. મી.ની હદમાં આવેલ અનુક્રમે 22 તથા 39 ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાનો નકી કરવામાં આવ્યા છે. તેમજ સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.દરિયા કિનારાથી 3 કી. મી. ની અંદર આવેલ સી.સી.સી. સેન્ટરોને સલામત સ્થળે ખસેડવા જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય અધિકારીને સૂચના અપાઈ છે.

દરિયામાં ગયેલી બોટને પરત લાવવા માટે કવાયત હાથ ધરાઈ
​​​​​​​હાલ દરિયામાં રહેલી 222 જેટલી બોટ પૈકી 37 બોટ પરત આવી ગયેલ છે તેમજ અન્ય બોટોને પરત લાવવા તંત્ર દ્વારા મત્સ્યોદ્યોગ સંગઠનો મારફત સૂચના અપાઈ છે. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.તેમજ આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોને જરૂર પડ્યે અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે.વીજ પુરવઠો ન ખોરવાય તેમજ તેને લગત આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા પી.જી.વી.સી.એલ.ને સૂચિત કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...