ખાંભાના કોટડામા બે દિવસ પહેલા સિંહ સિંહણનુ કુવામા પડી જતા મોત થયા બાદ વનવિભાગે સોશ્યલ મિડીયામા અભિયાન ચલાવી કોઇ વન્યપ્રાણી કુવામા પડી જાય તો તેને કઇ રીતે બચાવવા તે અંગે ખેડૂતોને સમજ આપી હતી.
વનવિભાગ દ્વારા આ અંગે આજે બે વિડીયો જાહેર કરવામા આવ્યા હતા. ગીર જંગલ આસપાસના વિસ્તારમા જે ખેડૂતોના કુવા ખુલ્લા છે અને તેને બાંધવામા આવ્યા નથી તેવા ખેડૂતોને વનવિભાગની સહાય મેળવી આવા ખુલ્લા કુવા બાંધી લેવા અપીલ કરવામા આવી હતી.
અને જયાં સુધી કુવાને બાંધવામા ન આવે ત્યાં સુધી કુવા ફરતે ઝાડી ઝાંખરાની વાડ બનાવવા માટે અપીલ કરવામા આવી હતી. આમ છતા કોઇ વન્યપ્રાણી કુવામા પડી જાય અને વનવિભાગની મદદ તેના સુધી પહોંચે ત્યાં સુધી વન્યપ્રાણીનો જીવ બચાવવા માટે બે તરફ દોરડુ બાંધી કુવામા ખાટલો કઇ રીતે ઉતારવો તેની સમજ અપાઇ હતી. ખાટલો હાથવગો ન હોય તો લાકડાનો ઢેબો કે મોટુ લાકડુ પણ દોરડાથી બાંધી કુવામા ઉતારી શકાય છે.
સામાન્ય રીતે કુવાના પાણીમા તરતુ વન્યપ્રાણી જીવ બચાવવા ખાટલા પર આવી જાય છે અથવા તરતા લાકડાની મદદ લઇ લે છે જેથી તેનો જીવ બચી જાય છે. ઉલ્લેખનીય છે કે કેાટડામા કુવામા પડેલો સિંહ લાંબા સમય સુધી તરતો રહી જીવિત રહ્યો હતો. પરંતુ તેના સુધી આ પ્રકારની મદદ સમયસર ન પહોંચતા ડૂબી જવાથી તેનુ મોત થયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.