રાજુલા શહેરના ભેરાઇ રોડ ઉપર આવેલી માધવ પાર્ક હોટેલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની મહેફિલ માણતા હોટલ માલીક, ડોક્ટર વેપારીઓ સહિત સાત લોકો ઝડપાયા હતા. ગઈકાલે મોડી રાત્રે રાજુલા પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ, નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી દ્વારા જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહીબીશનને લગતી પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેડ કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેથી રાજુલા પી.આઈ. ડી.વી.પ્રસાદની ટીમે પેટ્રોલીંગ દરમિયાન રાજુલા શહેરના ભેરાઇ રોડ ઉપર આવેલી માધવ પાર્ક હોટેલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની મહેફિલ માણતા હોટલ માલીક, ડોક્ટર તથા વેપારીઓ સહિત સાત લોકોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે વિદેશી દારૂની અધુરી બોટલ-2 તથા ખાલી બોટલ-2, એક કિનલી પાણીની બોટલ તથા કિનલી સોડાની પ્લાસ્ટીકની ખાલી બોટલ-1 તથા કાચના ગ્લાસ-6 તથા બાલાજીની મગદાળ, મસાલા સીંગ, ફરાળી ચેવડો, શીંગ ભજીયા તથા ગોપાલના મસાલા કપ ભરેલા, તુટેલ રેપર મળી કુલ રૂ.200 /- ના મુદ્દામાલ સાથે મહેફીલ માણતા આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
પકડાયેલા આરોપીઓના નામ
(1)દક્ષેશ દેવશીભાઇ કલસરીયા, ધંધો.વેપાર રહે.રાજુલા(2) વિજય પ્રકાશભાઇ જેસીંગાણી ધંધો.વેપાર રહે.રાજુલા(3) આકાશ કનુભાઇ વિંજવા, ઉ ધંધો.વેપાર રહે.રાજુલા(4) શૈલેષ સુર્યકાંત સેજપાલ, ધંધો.વેપાર રહે.રાજુલા(5) નરેશ ચેતનભાઇ જુરાણી, ધંધો.વેપાર રહે.રાજુલા (6) મનુ અરશીભાઇ બાંભણીયા ધંધો.શિક્ષક રહે.શોખડા તા.ઉના જિ.ગીર સોમનાથ(7) તુષાર અરવિંદભાઇ કનાળા, ધંધો.ડોક્ટર રહે.લાઠી,કલાપી પાર્ક તા.લાઠી જિ.અમરેલી
પકડવાના બાકી આરોપી(1) વિનય મનુભાઇ પરમાર રહે. ઉના જી.ગીર સોમનાથ
અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા ટ્વીટ કરી માહિતી જાહેર કરી હતી. સમગ્ર જિલ્લામાં દારૂ જુગાર મહેફિલ ઉપર જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા આદેશ આપ્યા બાદ સ્થાનીક પોલીસ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવુતિઓ કંટ્રોલ થાય તેને લઈ સતત ખાનગી રાહે નજર રાખી દરોડા પાડવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.