સુવિધામાં વધારો:સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનનું આવતી કાલે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ

અમરેલીએક મહિનો પહેલા
  • વર્ષોથી ભાડાના મકાનમાં ચાલતા વંડા પોલીસ સ્ટેશનને નવું મકાન મળ્યું
  • આવતીકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ ખેડાથી આ સ્ટેશનનું ઇ-લોકાર્પણ થશે

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાનું વંડા પોલીસ સ્ટેશન 27 ઓક્ટોબર, 2010માં અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી લઇને અત્યાર સુધી ભાડાના મકાનમાં આ પોલીસ સ્ટેશન ચાલતું હતું. અહીં પોલીસ સ્ટેશન નહિ હોવાને કારણે પોલીસ કર્મચારીઓ અધિકારીઓને કામગીરીમાં ઘણી મુશ્કેલી સર્જાતી હતી. આ ઉપરાંત ગામડાના લોકો-અરજદારોની પણ મુશ્કેલીઓ હવે દૂર થશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ખેડાથી આ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે.

આ પોલીસ સ્ટેશન નીચે 20 જેટલા નાના-મોટા ગામડાં આવેલાં છે અને આશરે 93 લાખના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. જે શહેરી વિસ્તારના પોલીસ સ્ટેશન હોય છે એ જ રીતે નવું પોલીસ સ્ટેશન બિલ્ડીંગ ઉભું કરાયું છે. જેના કારણે આ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં પણ ઉત્સાહ છવાયો છે. જ્યારે હાલ 2 દિવસથી દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસમાં અન્ય ભવનના લોકાર્પણ કરવાના છે. ત્યારે આવતી કાલે બપોરે 12 વાગ્યા આસપાસ ખેડાથી વંડા પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે.

આવતી કાલે વંડા પોલીસ સ્ટેશન વિધિવત રીતે ખુલ્લું મુકાશે. જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ, DYSP કે.જે.ચૌધરી, જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત રાજકીય પ્રતિનિધિઓ પણ અહીં ઉપસ્થિત રહેશે. ત્યારે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા લોકોને અહીં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...