સિંહ સુરક્ષામાં છીંડા:સાવજોની રક્ષા માટે બનાવેલી ફેન્સીંગમાં છીંડા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપાવાવ ટ્રેક પર ફેન્સીંગ બનાવવાનો 30 કરોડનો ખર્ચ પાણીમાં : હવે સિંહ સુરક્ષા માટે 10 કિમી લાંબો કોરીડોર બનાવવા માંગ

દેશની શાન સમા સાવજો અવારનવાર ટ્રેન હડફેટે ચડી રહ્યાં છે ત્યારે સાવજોની રક્ષા માટે પીપાવાવ નજીક ટ્રેક ફરતે બનાવાયેલી તાર ફેન્સીંગનો ખર્ચ જાણે પાણીમા ગયો છે. અહી ઠેકઠેકાણે છીંડા હોવા ઉપરાંત ફેન્સીંગ ટપીને પણ સાવજો ટ્રેક પર આવી જાય છે. હવે અહી 10 કિમીનો અલગ કોરીડોર બનાવવા માંગ ઉઠી છે.

પીપાવાવના રેલવે ટ્રેક પર માત્ર માલગાડીઓ દોડે છે. અહી દિવસ દરમિયાન 20 થી 25 માલગાડીઓની અવરજવર થાય છે અને તે પણ 100 કિમીની પુરપાટ ઝડપે. દેશભરમાથી આવતા માલગાડીઓના ડ્રાઇવર સાવજોના વિસ્તારથી અજાણ હોય છે અને અવારનવાર માલગાડી હડફેટે સિંહના મોતની ઘટનાઓ બની ચુકી છે. થોડા વર્ષ પહેલા સરકારને રેલવે વિભાગ દ્વારા 30 કરોડનો જંગી ખર્ચ કરી પીપાવાવ ટ્રેક ફરતે તાર ફેન્સીંગ કરવામા આવ્યું હતુ. જેથી સાવજો રેલવે ટ્રેક પર આવી ન જાય.

જો કે આ તાર ફેન્સીંગની ઉંચાઇ બરોબર રખાઇ નથી જેના કારણે સાવજો ફેન્સીંગ ટપીને પણ ટ્રેક પર આવી જાય છે. આ ઉપરાંત રેલવે ફાટક પરથી પણ ટ્રેક પર એન્ટ્રી લઇ લે છે. અહી ઠેકઠેકાણે છીંડા પણ છે. સાવજોને પોતાની ટેરેટરીમા ચક્કર લગાવવા માટે આ રેલવે ટ્રેક ક્રોસ કરવો પડે છે. અને ફેન્સીંગ હોવા છતા સાવજો કુદીને ટ્રેક પર આવે છે અને બીજી તરફ ચાલ્યા જાય છે. એકંદરે ફેન્સીંગ પાછળ કરેલો ખર્ચ જાણે પાણીમા ગયો છે. હવે અહી સાવજો માટે 10 કિમીનો કોરીડોર બનાવવા માંગ ઉઠી રહી છે.

સાવજો માટે અહી અંડરબ્રિજ કે અન્ય કોઇ રસ્તો નથી. જેથી જો સાવજો માટે અંડરબ્રિજ બનાવવામા આવે તો તે રેલવે ટ્રેક પર આવી જવાની ઘટના ઓછી થઇ જશે. આઠ માસ પહેલા ફેન્સીંગની હાલત તથા અંડરબ્રિજ બનાવવા અંગે સર્વે માટે એક કમિટીની રચના કરાઇ હતી અને આ કમિટીએ સર્વે કરી પોતાનો રીપોર્ટ પણ આપી દીધો છે. પરંતુ મહિનાઓ બાદ આ રીપોર્ટ ધુળ ખાઇ રહ્યો છે. અહીના સિંહપ્રેમીઓએ સાવજો ટ્રેક પર ન આવે તે માટે ફેર વિચારણા કરવા માંગ કરી છે.

વાવાઝોડા વખતે ફેન્સીંગ તૂટી છે: લહેરી
અહીના પુર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતુ કે અહી અંડરબ્રિજ બનાવવા જોઇએ જેથી સાવજોને ટ્રેક પરથી અવરજવર કરવી ન પડે. ગત વર્ષે વાવાઝોડા વખતે ઠેકઠેકાણે ફેન્સીંગ તુટી હતી પરંતુ તેની મરામત કરાઇ નથી.

સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવે
ભેરાઇના સિંહપ્રેમી કથડભાઇ કહે છે સાવજોની સંખ્યા વધી રહી છે અને સુરક્ષા ઘટી રહી છે. સાવજો અવરજવર કયાંથી કરશે તે મુદે સરકારે ગંભીરતા દાખવી ફેર વિચારણા કરવાની જરૂર છે.> કથડભાઇ, સિંહપ્રેમી

સાવજો ફેન્સીંગ કુદી જાય છે
ઉચૈયાના સરપંચ પ્રતાપભાઇ બેપારીયાએ જણાવ્યું હતુ કે વનવિભાગે રેલવે ટ્રેક આસપાસ કોઇ નવો પ્રોજેકટ લાવવો પડશે. કારણ કે તાર ફેન્સીંગ તો સાવજો ટપી જાય છે. અહી ફેન્સીંગ તુટી પણ ગઇ છે.>પ્રતાપભાઇ બેપારિયા, સરપંચ

અન્ય સમાચારો પણ છે...