રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. ત્યારે અનેક બેઠક પર ભાઈ સામે સગાભાઈ, પિતા સામે પુત્રએ ફોર્મ ભરાવ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવી અમરેલી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા પરેશધાનાણી સામે તેના જ પૂર્વ ડ્રાઈવરે અપક્ષમાંથી ફોર્મ ભરાવ્યું છે. જેને લઈ રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં કોઈપણ પાર્ટી દ્વારા SC, ST કે OBC સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં ન આવતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
9 વર્ષ સુધી પરેશધાનાણીનો ડ્રાઈવર હતો
રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. જેને લઈ ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે અમરેલી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની સામે તેના જ કાર ડ્રાઈવર વિનુ ચાવડાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ચારેય તરફ આ ડ્રાઇવર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ડ્રાઇવર પરેશ ધાનાણીનો અંગત મનાતો હતો. હવે એજ ડ્રાઈવર પરેશ ધાનાણી સામે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યો છે. 9 વર્ષ સુધી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની કાર આ ડ્રાઈવર જ ચલાવી રહ્યો હતો. 24 કલાક તેમની સાથે જ રહેતો હતો, જોકે, હાલ તેઓ પરેશ ધાનાણીના ડ્રાઈવર નથી. આ ડ્રાઇવર વિનુ બાબુભાઇ ચાવડા અમરેલી તાલુકાના નવા ખીજડિયા ગામનો રહેવાસી છે. પરેશ ધાનાણીનો ડ્રાઇવર હોવાથી સમગ્ર વિસ્તારમાં તેની ઓળખાણ ઉભી થઇ હતી. ત્યારે પરેશ ધાનાણી વિરૂદ્ધ અપક્ષમાં ફોર્મ ભરતા આજે ફરી ચર્ચામાં આવ્યો છે.
પરેશ ધાનાણીએ આશિર્વાદ આપી પ્રોત્સાહિત કર્યો
ડ્રાઇવર વિનુ ચાવડાએ જણાવ્યું હતું કે, અમરેલી વિધાનસભા બેઠક પર મે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, પરેશભાઈ સાથે મે 9 વર્ષ સુધી ડ્રાઈવર તરીકે નોકરી કરી છે. અત્યારે તો હું રજા ઉપર છું. પરેશભાઈને તો મે અપક્ષમાં ફોર્મ ભર્યું તે વિશે પહેલા ખબર ન હતી. પરંતું પછી ખબર પડતા જ મને પરેશભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે, બેટા તે ઉમેદવારી કરી છે તો મે હા પાડી હતી. ત્યારે પરેશભાઈએ મને આશિર્વાદ આપ્યા અને કહ્યું કે, સારૂ બેટા ચૂંટણીલડ લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાનો અધિકાર છે.
જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વધુમાં જણાવ્યું કે, મને ચૂંટણી લડવાનો વિચાર એટલે આવ્યો કે અમરેલીમાં એસ.સી. એસ.ટી કે ઓબીસી સમાજને ભાજપ, કોંગ્રેસ કે આપ સહિત કોઈ પાર્ટીએ ટિકિટ આપી નથી, જેની સામે મારી આ લડાઈ છે, તેમજ બીજી લડાઈ ભાજપ સામે છે. મંદી, મોંઘવારી, બેરોજગારીને લઈ હું ચૂંટણી લડવા માગું છું. હું સગર સમાજમાંથી આવું છું, સર્વે સમાજ મારી સાથે જ છે તેથી હું જંગી બહુમતીથી જીતીશ તેવો મને વિશ્વાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.