સતત ચોથા દિવસે પણ મેઘરાજા મહેરબાન:અમરેલી જિલ્લાના અનેક પંથકમાં ધોધમાર વરસાદ, વીજપડી ગામની બજારોમાં પાણી ફરી વળ્યાં

અમરેલી18 દિવસ પહેલા
  • વીજપડી ગામમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસતાં ગરમીથી રાહત
  • સાવરકુંડલાનાં અનેક ગામોમાં વરસાદ પડતાં રોડ-રસ્તા પર પાણી જ પાણી

રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં.

જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ
સાવરકુંડલા તાલુકામાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના વીજપડી ગામમાં આજે અડધો ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો, જેને કારણે રોડ-રસ્તા તેમજ શેરીઓમાં પાણી પાણી જોવા મળ્યું હતું. હાડીડા, દાઢિયા સહિત આસપાસનાં ગામડાંમાં પણ સારો વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતો હવે વાવણીકાર્ય કરવાની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકાનાં ગામડાંમાં પડી રહ્યો છે.

ધોધમાર વરસાદને પગલે આ વર્ષ સારું જવાની ખેડૂતોને આશા
ધારી, કુંકાવાવ, બાબરા વિસ્તારમાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે કેટલાંક ગામડાંમાં નદી-નાળાં પણ છલકાયાં હતાં. ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોને પણ આ વર્ષ સારુ જાય એવી આશા બંધાય છે. હાલ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેમજ શહેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર હજુ પણ કોરો​​​​​​​
હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી હતી, એ પ્રમાણે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ પણ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યો નથી. ત્યારે અન્ય તાલુકામાં પણ વરસાદ આવે એવી ખેડૂતો સહિતના લોકો આશા રાખી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લાની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્યરાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો.

વેરાવળ પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા રસ્તા પર પાણી વહ્યા
સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હેત વરસાવ્યું હતું. જેથી રસ્તા પર પાણી વહેતા થવા લાગ્યા હતા. જેમાં વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...