વ્યાજખોરીનું દુષણ:ટીંબીના વ્યાજખોરે રૂપિયા 3.36 લાખ વસુલવા મકાનનો દસ્તાવેજ પચાવી પાડતાં આરોગ્યકર્મીએ કર્યો આપઘાત

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે શખ્સ સામે આરોગ્ય કર્મચારીને મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધ્યો
  • વ્યાજખોરે કરેલા દબાણની વાતચીતનું રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજુ કરાયું
  • યુવક હોસ્પિટલમાં હતો ત્યારે પણ કરાતી હતી ઉઘરાણી

વ્યાજખોરીના દુષણના કારણે અમરેલી જિલ્લામા અનેક લોકોએ પોતાના ઘરબાર મિલકત અને વાડી ખેતરો તથા દુકાનો ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ કેટલાક કિસ્સામા તો વ્યાજખોરોના ત્રાસથી નાણા લેનાર લોકોએ આપઘાત કરવો પડયો હોય તેવી ઘટનાઓ પણ બની છે. આવી વધુ એક ઘટના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે બની છે. અહી રહેતા અને ટીંબીના આરોગ્ય કેન્દ્રમા હેલ્થ વર્કર તરીકે છેલ્લા દસેક વર્ષથી ફરજ બજાવતા સંદિપભાઇ ધીરૂભાઇ દેવળીયા (ઉ.વ.35) નામના યુવાને તારીખ 25/12ના રોજ અનાજમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા તેમને સારવાર માટે ઉના દવાખાને ખસેડવામા આવ્યા હતા.

જો કે અહી તેમનુ મોત થયુ હતુ. તેઓ ઉના દવાખાનામા સારવારમા હતા તે સમયે ટીંબી ગામના ગરીબશા અલીશા કનોજીયા નામના વ્યાજખોર શખ્સનો નાણાની ઉઘરાણી માટે ફોન આવતો હતો. જો કે સંદિપભાઇના પત્ની વર્ષાબેને તેમને પતિ હોસ્પિટલમા હોય બાદમા ફોન કરવાનુ કહ્યું હતુ. સંદિપભાઇનુ મોત થયા બાદ તેના પરિવારે વતનમા અંતિમવિધી કરી હતી. ધાર્મિક વિધી પત્યા બાદ તેમના પતિએ તેમના મોબાઇલમા કોલ રેકોર્ડિંગની તપાસ કરતા ગરીબશા કનોજીયા તેમને વ્યાજે આપેલા નાણા કઢાવવા ધાકધમકી આપતો હોવાનુ રેકોર્ડિંગ મળ્યું હતુ.

વર્ષાબેને ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિએ ત્રણ માસ પહેલા ગરીબશા કનોજીયા પાસેથી રૂપિયા 3.36 લાખ વ્યાજે લીધા હતા. અને તેના ચુકવણા માટે આ શખ્સે તેમની પાસેથી ચેક પણ લખાવી લીધો હતો. એટલુ જ નહી તેમણે તેમના મકાનનો દસ્તાવેજ પણ પડાવી લીધો હતો અને ત્યારબાદ આ રકમ પરત મેળવવા અવારનવાર દબાણ કરી સતામણી કરતો હોય તેના કારણે તેના પતિએ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ શખ્સ સામે આરોગ્યકર્મીને મરી જવા મજબુર કરવા સબબ ગુનો નોંધ્યો છે.

અમરેલીમાં વ્યાજ સહિત રકમ ચુકવી છતાં 19.80 લાખ કઢાવવા 5 શખ્સની ધમકી
અમરેલીમા બાયપાસ રોડ પર ભકિતનગરમા રહેતા અરવિંદ વિઠ્ઠલભાઇ દુધાત (ઉ.વ.40) નામના યુવાને ચાવંડના વિક્રમ ડેર, મોણપુરના પરેશ ભુવા અને અમરેલીના હરેશ ઘુસાભાઇ ચાવડા, આશિષ જોષી અને શૈલેષ પરમાર નામના શખ્સો પાસેથી 14.80 લાખની રકમ વ્યાજે લીધી હતી. આ તમામ શખ્સોને રૂપિયા 15 લાખની રકમ તેમણે વ્યાજ પેટે ચુકવી હતી. છતા મુળગી રકમ 14.80 લાખ અને વ્યાજના વધુ રૂપિયા 5 લાખ મળી 19.80 લાખની રકમ વસુલવા પાંચેય શખ્સો તેને માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકીઓ આપતા હોય અને તેની પાસેથી મોટર સાયકલની આરસી બુક પડાવી લીધી હોય તેણે આ બારામા પાંચેય સામે અમરેલી તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

આંબરડીમાં 3.50 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂપિયા 15 લાખ કઢાવવા ધમકી
આંબરડી ગામના ભાવેશભાઇ પ્રાગજીભાઇ ચોડવડીયાએ ધજડી ગામના ભગીરથ દિલુભાઇ ખુમાણ પાસેથી રૂપિયા 3.50 લાખ વ્યાજે લીધા હતા. જે પૈસા વ્યાજ સાથે ચુકવી દીધા હતા. આમ છતા બીજા વધુ 15 લાખ કઢાવવા માટે ભગીરથ ખુમાણ ઉપરાંત તેના પિતા દિલુ ખુમાણ અને યુવરાજ દિલુ ખુમાણ એમ ત્રણ શખ્સો બળજબરી કરી ધાકધમકી આપતા હોય અને ગઇકાલે તેના મોટર સાયકલમા તોડફોડ કરી નુકશાન કર્યુ હોય તેમણે આ બારામા સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...