ચીમકી:વડીયાના હનુમાન ખીજડિયામાં એસ.ટી. બસની સુવિધા નહીં હોવાને કારણે ગ્રામજનોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

અમરેલીએક મહિનો પહેલા
  • સરપંચે આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી
  • ગામના આગેવાનોના ફોન નંબર એસ.ટીના અધિકારીઓએ બ્લોક કરી દીધા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા

રાજ્યમાં આવતીકાલે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ વહિવટ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જોકે, આ વચ્ચે અમરેલી જિલ્લાના વડીયા નજીક આવેલા હનુમાન ખીજડીયા ગામના લોકોએ એસ.ટી. બસની સુવિધા નહીં હોવાને કારણે રોષ વ્યકત કરી મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સરપંચ દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. જેના કારણે વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.

વડીયા નજીક આવેલા હનુમાન ખીજડીયા ગામમાં એસ.ટી.બસની સુવિધા નથી. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગ્રામજનોએ ગામમાં એસ.ટી.બસ નહિં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ સુત્રોચાર કરી વિરોધ પ્રદશન કર્યું હતું. બગસરા ડેપો દ્વારા આ અંગે કોઈ યોગ્ય જવાબ નહિ આપતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સાથે સાથે એસ.ટી.ના અધિકારીઓ ગ્રામજનોના નંબર બ્લોક કરી દેતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેને લઈ સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

ગામના અગ્રણી અને સરપંચ સત્યમ મકાણીએ જણાવ્યું કે, અમારા ગામ સાથે એસ.ટી વિભાગ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. ગામમાં એસ.ટીની બસ આવતી નથી. તેમજ આગેવાનોના નંબર એસ.ટીના અધિકારીઓ દ્વારા બ્લોક કરી દીધા છે. ત્યારે અમે આ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ જો અમારી માંગ પુરી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં અમે આંદોલન કરશું.

અન્ય સમાચારો પણ છે...