લગ્નના ઓરતા અધૂરા રહ્યા:અમરેલીના ચાંદગઢનીમાં 18 જાન લીલાતોરણેથી પાછી ફરી, કોરોના નિયમોનો ભંગ થતાં પ્રથમવાર પોલીસ સમૂહ લગ્નમાં ત્રાટકી, જાનૈયાઓમાં નાસભાગ, કન્યાઓ વિદાય પહેલાં રડી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના ચાંદગઢ ગામે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
અમરેલીના ચાંદગઢ ગામે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • મંજૂરી વગર સમૂહલગ્ન યોજાતાં પોલીસ દોડી આવી અને આયોજક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી
  • લોકોએ પોતાની અનુકૂળતા ગોઠવી અન્યત્ર લગ્ન કરી મુહૂર્ત સાચવ્યું
  • હજાર લોકોનો જમણવાર હતો, આયોજક સામે ગુનો

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે આજે કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. પરંતુ આ માટે તંત્રની જરૂરી પરમિશન લેવાઇ ન હતી. સવારમાં 18 વરરાજા જાન લઇને પરણવા પહોંચી ગયા હતા. પરંતુ લગ્ન થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. જેથી તમામ લગ્ન અટકી પડ્યા હતા. અને તમામ 18 જાન લીલા તોરણે પાછી ફરી હતી. તાલુકા પોલીસે આ અંગે આયોજક સામે ગુનો નોંધ્યો છે. ચાંદગઢમા કોળી એકતા દળના સુરેશ વાલજી થળેસાએ અહી ચતુર્થ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનુ આયોજન કર્યુ હતુ.

પોલીસ આવતાં જ જાનૈયા અને માંડવિયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ આવતાં જ જાનૈયા અને માંડવિયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

કેટલાક યુગલોએ ઘરે ફેરા ફરી લગ્ન વિધી સંપન્ન કરી
ચાંદગઢ ગામે સમસ્ત કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સમૂહલગ્નની આયોજક દ્વારા મંજૂરી લેવામાં આવી નહોતી. આથી પોલીસને જાણ થતા દોડી ગઈ હતી. આથી 17 વરરાજાની જાન પોતપોતાના ઘરે પરત ફરી હતી. જેમાં કેટલાક યુગલોએ ઘરે જ ફેરા ફરી લગ્ન વિધી સંપન્ન કરી હતી.

કેટલાક યુગલોએ ઘરે લગ્નવિધી સંપન્ન કરી હતી.
કેટલાક યુગલોએ ઘરે લગ્નવિધી સંપન્ન કરી હતી.

આયોજકોએ પરવાનગી નહોતી લીધી
કોરોના મહામારીના કપરા કાળમા તેણે આ માટે તંત્ર પાસેથી જરૂરી કોઇ પરવાનગી લીધી ન હતી. સમૂહ લગ્નમા મહદઅંશે ગ્રામિણ વિસ્તારના કોળી સમાજના અને દલિત સમાજના યુગલો જોડાયા હતા. અને આયોજકોએ કોઇ પરવાનગી લીધી ન હતી તે વાતથી અજાણ હતા. 18 વરરાજાઓ પોત પોતાના ગામથી જાન લઇ અહી હોંશેહોંશે પરણવા આવી ગયા હતા. ચાંદગઢમા મોગલ માતાના મઢ પાસે ખુલ્લી ખેતરાઉ જગ્યામા સમિયાણો નાખી સમૂહ લગ્નનુ આયોજન કરાયુ હતુ. કેટલાક વરરાજા લગ્ન મંડપ સુધી પહોંચી ગયા હતા. તો કેટલાક લગ્ન મંડપમા જવા તૈયાર હતા.

સમૂહલગ્નમાં પોલીસ આવતાં જ લોકોએ ચાલતી પકડી હતી.
સમૂહલગ્નમાં પોલીસ આવતાં જ લોકોએ ચાલતી પકડી હતી.

તમામ 18 લગ્નો અટકી પડ્યાં
લગ્ન સમયે જ બાતમીના આધારે અમરેલી તાલુકા પીએસઆઇ પી.બી.લક્કડ તથા પી.વી.પલાસ સ્ટાફ સાથે લગ્ન સ્થળે પહોંચ્યા હતા. પોલીસની ગાડીઓ જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આયોજક સામે કાર્યવાહી શરૂ કરતાં જ વર પક્ષ અને કન્યા પક્ષના લોકો જે વાહનોમા આવ્યા હતા તે વાહનોમા બેસી બેસીને નાસવા લાગ્યા હતા. અહી તમામ 18 લગ્નો અટકી પડયા હતા અને વરરાજા તથા કન્યાઓ પણ પોતાના વાહનોમા બેસી ચાલી નીકળ્યાં હતા.

મોટી સંખ્યામાં સમૂહલગ્નમાં આવેલા લોકોની રસોઈ રઝળી પડી
પોલીસની પ્રાથમિક તપાસમા લગ્નના સ્થળે સેનેટાઇઝર, હેન્ડવોશ કે માસ્ક જેવી કોઇ વ્યવસ્થા ન હોવાનુ જણાયુ હતુ. અહી પરમીશન વગર જ એક હજાર કરતા વધુ લોકોની રસોઇ બનાવી ભોજન સમારંભનુ આયોજન કરાયુ હતુ. તાલુકા પોલીસે ચાંદગઢના જ સુરેશ વાલજી થળેસા (ઉ.વ.36)ને હસ્તગત કરી તેની સામે જુદાજુદા જાહેરનામાનો ભંગ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સૌરાષ્ટ્રમા જ્ઞાતિઓના રિવાજો પ્રમાણે લીધેલા લગ્ન અટકતા નથી. જેને પગલે અહીથી નાસેલા વર અને કન્યા પક્ષના લોકોએ પોત પોતાની અનુકુળતાવાળા સ્થળોએ પહેાંચી તાબડતોબ વ્યવસ્થાઓ ઉભી કરી લગ્ન વિધીઓ કરાવી હતી. સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમા વિદાયની વેળામા કન્યાઓ રડી પડે છે. પરંતુ અહી તો લગ્ન શરૂ થાય તે પહેલા જ અટકી પડતા કન્યાઓ અને તેના પરિવાર રડતા નજરે પડયા હતા.

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...