સમગ્ર રાજ્યના ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિને એક અભિયાન સ્વરુપે લઈ જનારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અધિકારીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમરેલી જિલ્લાના અધિકારીઓને સંબોધતાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિના રોડમેપ મુજબ આગામી 10 દિવસમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં 10-10 ગામોનું ક્લસ્ટર બનાવી અને શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતા એક-એક ખેડૂતને આત્માના અધિકારીઓ દ્વારા બે દિવસ પ્રાકૃતિકની તાલીમ આપવામાં આવે વર્ષાઋતુ પહેલાં જિલ્લાનું એક પણ ગામ પ્રાકૃતિક કૃષિની તાલીમ વગર બાકી ન રહે તેની તકેદારી રાખવામાં આવે દરેક ગામને સો ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત કરવું એ લક્ષ્ય છે.
ગુજરાત અન્ય ક્ષેત્રે દેશ-દુનિયા માટે મોડલ છે, તેવી જ રીતે ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું પણ રોલ મોડલ બનાવવાનું છે. ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે. આ વાર્તાલાપમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવો વિશેની માહિતી અને વિગતો મેળવી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોના મંતવ્યો સાંભળ્યા હતા.
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જિલ્લાની પ્રાકૃતિક ખેતી વિષયક વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત વર્ષે 16,500 એકરમાં પ્રાકૃતિક ખેતી થઈ હતી. આ વર્ષે 19,000 એકર સુધીમાં થવાનું અનુમાન છે અત્યાર સુધીમાં આત્મા અને ખેતીવાડી કચેરી દ્વારા જિલ્લાના 20,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિનામાં બે દિવસ અમૃત આહાર બજાર યોજાય છે. આ ઉપરાંત 598 ગામોમાં રાત્રિસભા દ્વારા પ્રાકૃતિક ખેતીની સમજ આપવા ઉપરાંત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અનુસરવા અને અપનાવવા ખેડુતો શપથ પણ લઈ રહ્યા છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, આત્મા પ્રોજેક્ટના રાજ્યના નોડલ અધિકારી પી.એસ. રબારી, પ્રાકૃતિક ખેતીના રાજ્યના સંયોજક પ્રફુલભાઈ સેંજલિયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, આત્મા પ્રોજેકટ નિયામક પિપળીયા, જિલ્લા ખેતીવાડી સહિત વિભાગના અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.