ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગાંધીજીના અંગત ડૉક્ટર અને રાજ્યના પહેલા CMના શહેરનો ચિતાર

અમરેલી2 મહિનો પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
ડૉ. જીવરાજ મહેતાનું ઘર - Divya Bhaskar
ડૉ. જીવરાજ મહેતાનું ઘર
  • જીવરાજ મહેતા અમરેલીમાં જ જાણે ભુલાઇ ગયા!
  • તેમનું ઘર એવું જ રહે એવો પ્રયાસ કરવાનો ખરીદનારનો દાવો
  • મજબૂત ગુજરાતનું ચણતર કરનાર ડાૅ. જીવરાજ મહેતાના વતન માં જ ઇન્ડસ્ટ્રીના અભાવે લોકો છોડે છે જિલ્લો

ગુજરાતમાં અમરેલીનું ખાસ મહત્ત્વ છે અને એમાં પણ ચૂંટણી સમયે તો વધી જાય છે. અહીંથી ગયેલા લોકોએ સુરતમાં હીરાનો વેપાર ઉભો કરી દીધો. જે સુરત પહેલાં પ્લેગના શહેરથી જાણીતું હતું તેને ડાયમંડ સિટીની ઓળખાણ આપવામાં અમરેલીના લોકોનો મોટો ફાળો છે. રાજકારાણમાં અમરેલી કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે.

જ્યારે મહારાષ્ટ્રથી અલગ થઇ ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનેલા ડૉ. જીવરાજ મહેતા અમરેલીના વતની હતા. એક સમયે ગુજરાતનું મજબૂત ચણતર કરનાર જીવરાજ મહેતાના જિલ્લામાં બેરોજગારીના કારણે લોકોએ પલાયન કરી બીજા સ્થળોએ રોજગાર શોધવા જવું પડી રહ્યું છે.

ડૉ. મહેતા મહાત્મા ગાંધીના અંગત ડૉક્ટર પણ હતા. ગુજરાતમાં કોયલી રિફાઇનરી, નર્મદા ડેમનું ખાતમુહૂર્ત, સાપુતારા ધરાવતા ડાંગ જિલ્લાને ગુજરાતમાં સમાવેશ, દારૂબંધી જેવા મહત્ત્વના કામો દ્વારા નવા રાજ્યને મજબૂત કરવાની કામગીરી તેમણે કરી હતી. અમરેલીમાં પણ તેમણે કામ કર્યું હતું પણ હવે જાણે અમરેલી પોતાના પનોતા પુત્રને જ ભૂલી ગઇ છે. તેમની યાદગીરીમાં ક્યાંક સ્મારક કે એકાદ રોડ છે. નવી પેઢીને બહુ યાદ નથી. એક રોડનું નામ ડૉ. જીવરાજ મહેતા માર્ગ હતું તેને લોકો હવે લાઇબ્રેરી રોડ કહે છે.

ઘર તેમનું જ હોય એવું લાગે એવા પ્રયાસ કરીશું
સ્થાનિક અકબર શેખ કહે છે કે, હવે તેમની યાદો જાણે શહેરમાં ભૂંસાઇ રહી છે. કેટલાક વિસ્તારોમાં જે સારા કામો થયા એ કદાચ એમના સમયમાં જ થયા હશે. ડૉ. મહેતાના ઘરની બાજુમાં જ એક ઘર છે. ત્યાં રાજુ પઠાણ રહે છે. તેમનો દાવો છે કે, 6 મહિના પહેલાં જ તેમણે એ ઘર ખરીદી લીધું છે. ઘરમાં મરામત ચાલી રહી છે. ડૉ. મહેતાના મોટાભાગનો સગાંસંબંધીઓ મુંબઇ રહે છે કે વિદેશમાં. તેઓ આ પ્રોપર્ટીને વેચવા માગતા હતા. અમે ખરીદી લીધી. ઘરની આગળ ડૉ. જીવરાજ મહેતા ભવન પણ લખવાનું આયોજન છે. અમારા વડીલો પાસેથી તેમના વિશે સાંભળ્યું હતંુ એટલે અમે ખરીદી લીધું. વકીલ કિરણ ભીમાણી કહે છે કે, નવી પેઢીને કદાચ ખબર પણ નહીં હોય કે જીવરાજ મહેતા કોણ હતા અને એમનું મહત્વ શું હતું?

લોકો પલાયન કરી રહ્યા છે, રોજગારની સમસ્યા
સ્થાનિક ભકુભાઇ કાછડિયા કહે છે કે, પક્ષો બદલાતા જાય છે પણ વિકાસ તો જે પહેલાં થઇ ગયો એ પછી જાણે ડોકાયો જ નથી. પાણીની સમસ્યાએ અમને બહુ જ હેરાન કર્યા પણ છેલ્લા 10 વર્ષથી પાણી મામલે તો ઘણી શાંતિ થઇ છે. પરંતુ બેરોજગારી આજે પણ મોટી સમસ્યા છે. રોજગાર માટે લોકો શહેર ને જિલ્લો છોડી બહાર જઇ રહ્યા છે. અન્ય એક સ્થાનિક કહે છે કે, બાબરામાં જિનિંંગ ઇન્ડસ્ટ્રીને વિસ્તાર કરવાનો પ્લાન હતો પણ કંઇ થયું નથી. એરપોર્ટ પાસે ડિફેન્સ બાબતે કંઇ પ્લાન હતો. જમીન પણ રખાઇ હતી. પણ એનું શું થયું કોઇને ખબર નથી. પ્રોજેક્ટ્સ નહીં આવવાના કારણે લોકોએ બહાર જવું પડે છે. હાલમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ત્રણ વખત ચૂંટણી જીતી ચુક્યા છે. અગાઉ નરસિંહદાસ ગોધિયા ત્રણ વાર ધારાસભ્ય રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...