9 સિંહ, 3 દીપડાનો ત્રાસ:રાજુલા તાલુકાના જાપોદર ગામમાં 10 દિ'થી ખેડૂતોએ વાડી- ખેતર રેઢા મુક્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધોળા દિવસે પણ જાપોદરના ખેડૂતો સીમમાં જવાની હિંમત કરતા નથી
  • બહેરૂં વનતંત્ર પાંજરા મૂકવા લોકોની માંગ સાંભળતું નથી
  • રાત્રીના બદલે દિવસ વીજળી આપો: સિંહ, દીપડાને પાંજરે પુરી અન્યત્ર ખસેડો

રાજુલા તાલુકાના જાપોદર ગામના ખેડૂતોએ ખરા ટાણે જ વાડી ખેતરમા લહેરાતો પાક ભગવાનના ભરોસે મુકી દીધો છે. કારણ કે અહી સીમમા 9 સિંહ અને 3 દીપડાના ધામા છે. રાત્રે વિજળી મળતી હોવા છતા ખેડૂતો પાણી વાળવા જતા નથી. એટલુ જ નહી દિવસે પણ ખેડૂતો સીમમા જતા ન હોય પાક સુકાવા લાગ્યો છે. હિંસક વન્યપ્રાણીઓને પાંજરે પુરવાની માંગ તંત્રના બહેરા કાને અથડાતી નથી.

ખેડૂતો હાલમા અજીબ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે
રાજુલા નજીક આવેલ જાપોદર ગામના ખેડૂતો હાલમા અજીબ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. કારણ કે ગામની સીમમા એકસાથે નવ સાવજના ટોળાએ લાંબા સમયથી ધામો નાખ્યો છે. આ ઉપરાંત ગામની સીમમા ત્રણ દીપડા પણ સતત અવરજવર અને મારણ કરી રહ્યાં છે. આમ તો ગ્રામ્ય વિસ્તારમા સાવજોની અવરજવર તે કોઇ નવાઇની વાત રહી નથી. પરંતુ એકસાથે નવ સાવજનુ ટોળુ સતત ધામા નાખીને પડયુ હોય ખેડૂતોમા ભારે ડર છે. જેના પગલે ખેતીની ભરપુર સિઝન હોવા છતા ખેડૂતો વાડીએ રાતવાસો કરવા જતા નથી.

ભુતકાળમા સિંહ દ્વારા હુમલાની અનેક ઘટનાઓ બની હતી
રાજુલા જાફરાબાદ પંથકમા ભુતકાળમા સિંહ દ્વારા માણસ પર હુમલાની અનેક ઘટનાઓ બની ચુકી છે. અને દીપડો તો સૌથી વધુ જોખમી હોય છે. તેવી સ્થિતિમા ખેડૂતો સીમમા જતા ડરી રહ્યાં છે. હાલમા રાત્રીના સમયે ખેતીવાડીની વિજળી આપવામા આવે છે. પાકને પાણીની જરૂર પણ છે. છતા ખેડૂતો સીમમા જવાનુ ટાળી રહ્યાં છે. બાજુના સમુહખેતી ગામના ખેડૂતોમા પણ આવો જ ભય છે.

ગામના ખેડૂતોને હાલમા પાકમા નુકશાન ​​​​​​​
સિંહ કરતા દીપડાનો લોકોને વધુ ભય લાગે છે. કારણ કે સીમમા સતત મારણની ઘટના પણ બની રહી છે. સ્થાનિક લોકો તંત્ર આ સાવજ, દીપડાને પકડી અન્યત્ર ખસેડે તેવુ ઇચ્છી રહ્યાં છે. આ માટે તેઓ તંત્રને રજુઆત પણ કરી રહ્યાં છે. પરંતુ તેમની રજુઆત બહેરા કાને અથડાઇ રહી છે. જુના જાપોદર ગામના ખેડૂતોને હાલમા પાકમા નુકશાન થઇ રહ્યું છે.

રાત્રીના બદલે દિવસના સમયે વિજળી આપવામા આવે તેવી માંગ
અહીના ખેડૂતોએ જયાં સુધી સિંહ દીપડાને પકડવામા ન આવે ત્યાં સુધી રાત્રીના બદલે દિવસના સમયે વિજળી આપવામા આવે તેવી માંગ પણ ઉઠાવી છે. આ સિંહો અને દીપડાને સીમમા મારણ મળી રહેતુ હોય અહીથી દુર હટવાનુ નામ લેતા નથી. સામાન્ય રીતે સાવજો થોડા સમયમા બીજા સ્થળે ચાલ્યા જતા હોય છે. પરંતુ પાછલા કેટલાક સમયથી સાવજોએ અહી જાણે કાયમી ધામા નાખ્યા છે.

ઝાડી વિસ્તાર સાવજોનો રહેણાંક બન્યો
પાલિકાના પુર્વ સદસ્ય અને જાપોદર ગામના આણદુભાઇ ધાખડાએ વનમંત્રીને રજુઆત કરી હતી કે જુના જાપોદર નજીક ઝાડી વિસ્તાર સાવજોનો રહેણાંક બની ગયો છે. એકબાજુ અહી નદી છે. સિંહ અને દીપડા ઘેટા બકરાનુ મારણ કરી જાય છે. - આણદુભાઇ

ખેડૂતો કપાસને પાણી આપી શકતા નથી
અહીના સરપંચ મનુભાઇએ જણાવ્યું હતુ કે હાલમા કપાસ સારો છે. પરંતુ સિંહ દીપડાના કારણે ખેડૂતો કપાસને પાણી પાવા જઇ શકતા નથી. આનાથી ખેડૂતોના હાથ મોંમા આવેલો કોળીયો ઝુંટવાઇ જશે.-મનુભાઇ

​​​​​​​ખેડૂતોનો વાવેલો પાક નિષ્ફળ જશે
જાપેાદર ગામના ખેડૂત સતુભાઇએ જણાવ્યું હતુ કે જો અહીથી સિંહ દીપડાને દુર ખસેડવામા નહી આવે તો જુના જાપોદર અને સમુહખેતી ગામમા વાવેલો પાક પણ ખેડૂતો નહી લઇ શકે. આ મુદે પાલિતાણાના ડીએફઓને આવેદન આપીશું. - સતુભાઇ, ખેડૂત

દીપડાને પકડવા પાંજરા કેમ મુકાતા નથી
રાજુલા પાલિકાના પુર્વ પ્રમુખ ભરતભાઇએ જણાવ્યું હતુ કે બે કિમી દુર સમુહખેતી ગામ છે. દીપડાના કારણે લોકો સીમમા પણ જઇ શકતા નથી. - ભરતભાઇ

અન્ય સમાચારો પણ છે...