સુવિધા:અમરેલીથી - વેરાવળ અને જૂનાગઢની ટ્રેન શરૂ, પ્રથમ દિવસે 22 લોકોએ મુસાફરી કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે મુસાફરોની સંખ્યા ઓછી, આગામી દિવસોમાં ટ્રાફિક વધશે, બંને ટ્રેન નિર્ધારીત સમય પર દોડી

અમરેલીથી વેરાવળ અને જૂનાગઢ વચ્ચેની ટ્રેન આજે શરૂ થઈ હતી. અહી પ્રથમ દિવસે 22 જેટલા મુસાફરોએ અમરેલી રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાં મુસાફરી કરી હતી. બંને ટ્રેન લાંબા સમય બાદ ફરી શરૂ થતા પોતાના નિર્ધારીત સમય પર દોડી હતી. કોરોના મહામારીના કારણે અમરેલી રેલવે સ્ટેશન પરથી દોડતી ત્રણ ટ્રેન બંધ કરી દેવાઈ હતી. અહી અનેક માંગણી બાદ રેલવે તંત્રએ અમરેલી- વેરાવળ વચ્ચે સવારે 8 : 45 કલાકની સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી હતી. પરંતુ અમરેલીથી જૂનાગઢ અને વેરાવળ વચ્ચેની બે ટ્રેન શરૂ કરવામાં વિલંબ થયો હતો.

પણ અંતે રેલવે તંત્રએ મુસાફરોની માંગણીને ધ્યાને રાખીને સવારે 6: 25 ઉપડતી અમરેલી - જૂનાગઢ અને 12: 05 ઉપડતી અમરેલી- વેરાવળ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.આજે આ બંને ટ્રે્ન શરૂ થઈ હતી. અને પ્રથમ દિવસે આ બંને ટ્રેનમાં 22 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. અમરેલી રેલવે સ્ટેશનના સુત્રોએ જણાવ્યું હતું કે અમરેલી - જૂનાગઢમાં 10 પેસેન્જર અને અમરેલી- વેરાવળમાં 12 મુસાફરોએ અહીથી મુસાફરી કરી હતી. પ્રથમ દિવસ હોવાથી મુસાફરોની સંખ્યા ઓછી હતી. પણ આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં ‌વધારો થશે. સાથે સાથે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

ભાડુ વધારે હોવાથી મુસાફરોમાં કચવાટ
અમરેલી રેલવે સ્ટેશન પરથી દોડતી ત્રણેય ટ્રેનમાં અત્યારે સ્પેશ્યલ ટ્રેનનું ભાડુ વસુલવામાં આવે છે. અહી અગાઉ લેવામાં આવતા ભાડા કરતા ડબલ ભાડુ થઈ ગયું છે. જેના કારણે મુસાફરોમાં રેલવે તંત્ર સામે કચવાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...