વિધાનસભા સંગ્રામ 2022:કોંગ્રેસના ચારેય ધારાસભ્યો રિપીટ : ધારી સીટ પર પ્રથમ વખત બિન પાટીદારને ટિકીટ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લાની પાંચેય સીટ પર કોંગીના ઉમેદવારો જાહેર : હવે ખરાખરીના જંગની તૈયારી
  • ગીર-સોમનાથની 2 અને જૂનાગઢની 3 બેઠક પર કોંગ્રેસની રિપીટ થીયરી : કેશોદ અને વિસાવદરમાં નવા ચહેરા ચૂંટણી મેદાનમાં ઉર્તાયા

અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા સીટ માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોના ઉમેદવારોના નામ જાહેર થઇ ચુકયા છે. આપ અને ભાજપના નામ અગાઉથી જ જાહેર થયા હતા. જયારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે તબક્કે કોંગીએ પણ પોતાના પાંચેય ઉમેદવારો જાહેર કરી દીધા છે. જિલ્લાના કોંગ્રેસના ચારેય વર્તમાન ધારાસભ્યોને ફરી ટીકીટ ફાળવી દેવાઇ છે.

જયારે ધારી બગસરા સીટ પર ભાજપના પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસે બિન પાટીદાર એવા રાજગોર બ્રાહ્મણ સમાજના ખાંભાના ડો.કિર્તિભાઇ બોરીસાગરને ટીકીટ ફાળવી છે. આમ ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારો જાહેર થતા ઉમેદવારી માટેની ખેંચતાણ અને અંતિમ ઘડીના લોબીંગનો અંત આવ્યો છે. હવે ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થયુ છે. ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ ઉમેદવારોનુ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાનુ નામાંકન રજુ કર્યુ હતુ. જયારે બાકીના ઉમેદવારો અંતિમ બે દિવસમા પોતાના ફોર્મ ભરશે.

અમરેલી જિલ્લામાં જનરલ અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક
અમરેલી જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકો પર જનરલ અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામા આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો માટે જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે.

ચૂંટણીપંચ દ્વારા 94-ધારી વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે આઇએએસ સૂરજકુમાર, 95-અમરેલી અને 96-લાઠી વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે આઇએએસ અભિનવ ચંદ્રા અને 97-સાવરકુંડલા, 98-રાજુલા વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે આઇએએસ બાલચંદ્ર એસ.એન.ની નિમણુક કરવામાં આવી છે. સમગ્ર જિલ્લાના પોલીસ ઓબ્ઝર્વર તરીકે જી. શિવકુમારની નિમણુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે રામક્રિષ્ન કેડિયા અને ગુંજનકુમાર વર્માની નિમણુક કરવામાં આવી છે.

અમરેલીમાંથી પાંચમી વખત ઝંપલાવશે પરેશ ધાનાણી
અગાઉ રૂપાલા- સંઘાણી અને ઉંધાડને હરાવી જાયન્ટ કિલર સાબિત થયા હતા
કોંગ્રેસે વિધાનસભાના પુર્વ નેતા અને પ્રદેશ આગેવાન પરેશ ધાનાણીને ફરી તેમના જ ગઢ અમરેલીમાથી મેદાનમા ઉતાર્યા છે. પરેશ ધાનાણી માટે ખુદ પોતાની સીટ અંકે કરવા ઉપરાંત જિલ્લાની તમામ સીટો અને સૌરાષ્ટ્રની મહતમ સીટો અંકે કરવાની જવાબદારી છે.

આ વિસ્તારમા પરેશ ધાનાણીને જાયન્ટ કિલરનુ બિરૂદ મળેલુ છે. કારણ કે અત્યાર સુધીમા તેઓ ત્રણ વખત ધારાસભ્ય બન્યાં છે. અને ત્રણેય વખત તેમણે ભાજપના મહારથીઓને પછડાટ આપી હતી. વર્ષ 2002મા તેમણે પુરૂષોતમ રૂપાલાને હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2012મા બાર ખાતાના મંત્રી રહી ચુકેલા દિલીપ સંઘાણીને શીકસ્ત આપી હતી. અને 2017મા પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડને પરાજીત કર્યા હતા. તેમનો સીધો મુકાબલો ભાજપના યુવા નેતા અને સૌને સાથે લઇ ચાલનારા કૌશિક વેકરીયા સામે છે. જેથી ટક્કર બરોબરની જામશે.

લાઠી બાબરા સીટ પર કોંગ્રેસનો ફરી વિરજી ઠુંમર પર વિશ્વાસ
જિલ્લામા અઢી દાયકાથી કોંગ્રેસને જીવંત રાખવાની નિભાવી છે જવાબદારી
લાઠી બાબરા સીટ પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરને ફરી એકવાર આ સીટ અંકે કરવાની જવાબદારી સોંપી છે. જિલ્લા કોંગ્રેસના મજબુત આગેવાન વિરજીભાઇ હંમેશા વિધાનસભા પણ ગજાવતા રહ્યાં છે. અને સંસદમા પણ આ વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. પાછલા અઢી દાયકા દરમિયાન કોંગ્રેસમા અનેક નેતાઓ આવ્યા અને ગયા, અનેક કોંગ્રેસી નેતાઓએ પક્ષ પલટો પણ કર્યો. પરંતુ વિરજી ઠુંમર વિશે આવુ કોઇ વિચારી પણ ન શકે. અઢી દાયકા સુધી જિલ્લામા કોંગ્રેસને જીવંત અને મજબુત રાખવાની જવાબદારી નિભાવી હોય કોંગ્રેસે વધુ એક તક આપી છે. તેઓ અગાઉની બાબરા વડીયાની સીટ અને હાલની લાઠી બાબરા સીટનુ પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. ઉપરાંત અમરેલીના સાંસદ પણ રહી ચુકયા છે. ભાજપે પણ સામાપક્ષે લેઉવા પાટીદાર અને મુળ કેાંગ્રેસમાથી ભાજપમા ભળેલા જનક તળાવીયાને આ સીટ પરથી મેદાનમા ઉતાર્યા છે.

રાજુલા જાફરાબાદ સીટ પર કોંગ્રેસનો ફરી અંબરીશ ડેર પર વિશ્વાસ
ભાજપ કોંગીના કોળી અને આહિર ઉમેદવાર વચ્ચે થશે એડી ચોટીનો જંગ
રાજુલા જાફરાબાદ સીટ પરથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય અંબરીશ ડેર પર ફરી એકવાર પસંદગી ઉતારી છે. ગઇરાત્રે આ સીટ પર ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઇ હતી. તેમનો સીધો મુકાબલો અગાઉ ચાર વખત ચુંટાયેલા હિરાભાઇ સોલંકી સાથે થશે.રાજુલા જાફરાબાદ વિસ્તારમા કોળી સમાજ અને આહિર સમાજની મુખ્ય વસતિ છે. ભાજપે કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપી છે તેની સામે કોંગીએ આહિર સમાજમાથી ફરી ટીકીટ આપતા હવે અહી કસોકસનો જંગ જામશે. 2017મા અંબરીશ ડેરે હિરાભાઇ સોલંકીને પરાજય આપ્યો હતો. 2022મા ફરી એ બંને વચ્ચે જ જંગ થશે. જિલ્લાની પાંચ પૈકી માત્ર આ એક સીટ પર જ એવુ થશે જયાં ગત ચુંટણી લડેલા બંને ઉમેદવારો વચ્ચે જ આ વખતે પણ સીધો જંગ છે. અહી આ સીટ પર ખારવા સમાજ અને મુસ્લિમ સમાજના પણ વધારે વોટ છે. ત્યારે અન્ય સમાજને કોણ વધુ આકર્ષી શકે છે તેના પર પરિણામનો આધાર રહેશે.

ધારી બગસરા સીટ પર કોંગ્રેસે નવા ચહેરા ડો.કિર્તિ બોરીસાગરને આપી ટીકીટ
પાટીદારોના ગઢમા કોંગ્રેસે ઇતર સમાજ પર લગાવ્યો દાવ
ધારી બગસરા સીટ પરના ઉમેદવાર તરીકે કોંગ્રેસે આજે ખાંભાના વતની ડો.કિર્તિભાઇ બોરીસાગરના નામની જાહેરાત કરી હતી. આ વિસ્તાર પાટીદારોનો ગઢ છે અને દર વખતે બે પાટીદારો વચ્ચે સીધો જંગ થતો હોય છે. પરંતુ આ વખતે ભાજપના પાટીદાર સામે કોંગ્રેસના બ્રહ્મસમાજના આગેવાનનો જંગ છે. આ સીટમા ધારી બગસરા તાલુકો ઉપરાંત અડધો ખાંભા તાલુકો પણ આવે છે. ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા મુળ કેાંગ્રેસી છે અને ગત વખતે કોંગ્રેસના ધારાસભ્ય ચુંટાયા હતા. પરંતુ એકાદ વર્ષ બાદ ભાજપમા ભળતા અહી કોંગ્રેસ નવા ચહેરાની તલાશમા હતી. પેટા ચુંટણીમા કોંગ્રેસના સુરેશ કોટડીયાનો પરાજય થયો હતો. અન્ય કોઇ મોટો પાટીદાર ચહેરો કોંગ્રેસમા ન હોય વર્ષોથી કોંગ્રેસમા સક્રિય રહેલા ડો.બોરીસાગરને જંગમા ઉતારાયા છે. આ સીટ પર ક્ષત્રિય સમાજ અને બ્રહ્મસમાજના મતદારોની સંખ્યા પણ ઘણી મોટી છે. ગત ચુંટણીમા અહીના પાટીદારો ભાજપથી વિમુખ થયા હતા. ત્યારે આ ચુંટણીમા શું થાય છે તેના પર સૌની ઇંતેજારી વધી છે.

સા.કુંડલા સીટ પર કોંગીએ પ્રતાપ દુધાતને સતત ત્રીજી વખત ઉતાર્યા
અગાઉ પ્રતાપ દુધાતનો એક વખત પરાજય અને એક વખત વિજય થયો હતો
સાવરકુંડલા લીલીયા સીટ પરથી પણ કોંગ્રેસે પોતાના વર્તમાન ધારાસભ્ય પ્રતાપ દુધાતને રીપીટ કરી ફરી એકવાર ટીકીટ ફાળવી છે. તેઓ કોંગ્રેસમાથી સતત ત્રીજી વખત આ સીટ પર લડી રહ્યાં છે. જેમનો મુકાબલો ભાજપના તદન નવા ચહેરા સાથે છે. પ્રતાપ દુધાત અહી વર્ષ 2012ની ચુંટણીમા વી.વી.વઘાસીયા સામે લડયા હતા અને 2380 મતે પરાજય થયા હતા. જો કે 2017ની ચુંટણીમા તેમનો ભાજપના કમલેશ કાનાણી સામે 8531 મતથી વિજય થયો હતો. જયારે આ ચુંટણીમા ફરી તેમની સામે એક નવા ચહેરા રૂપે મહેશ કસવાલા સામે આવ્યા છે. મુળ સુરતના ધંધાર્થી પ્રતાપ દુધાત લીલીયા તાલુકાના ક્રાંકચ ગામના વતની છે. અને કોંગ્રેસના યુવા આગેવાન છે. તેઓ પાંચ વર્ષમા પરેશ ધાનાણી, અંબરીશ ડેર અને વિરજી ઠુંમર સાથે સતત વિધાનસભા ગજાવતા રહ્યાં હતા. રાજકીય સોગઠા ગોઠવવામા માહેર દુધાત સામે ત્રીજી ચુંટણીમા ત્રીજી વખત નવો ચહેરો આવ્યો છે. ત્યારે આ જંગ રસપ્રદ બની રહેશે.

જિલ્લાની પાંચ સીટ માટે વધુ 16 ફોર્મ ભરાયા
અમરેલી જિલ્લામા ફોર્મ ભરવાની પ્રક્રિયામા આજે ભારે ઉછાળો આવ્યો હતો અને પાંચ સીટ માટે 17 ફોર્મ ભરાયા હતા. સૌથી વધુ 7 ફોર્મ લાઠી બાબરા સીટ પર ભરાયા હતા. કેાંગી અને આપના બે-બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જયારે ભાજપના એકેય ઉમેદવારના હજુ ફોર્મ ભરાયા નથી. લાઠી બાબરા સીટ પરથી કોંગ્રેસના વિરજીભાઇ ઠુંમરે આજે ઉમેદવારીપત્ર ભર્યુ હતુ. સાવરકુંડલા સીટ પરથી પણ કોંગી ઉમેદવાર પ્રતાપ દુધાતે ફોર્મ ભર્યુ હતુ. જયારે આમ આદમી પાર્ટીના અમરેલીના ઉમેદવાર રવિ ધાનાણી અને ધારી બગસરા સીટના આપના ઉમેદવાર કાંતીભાઇ સતાસીયાએ પણ પોતાનુ ફોર્મ ભર્યુ હતુ. આજે ધારી સીટ પરથી 2, અમરેલી સીટ પરથી 2, રાજુલા સીટ પર 1, સાવરકુંડલા સીટ પર 4 અને લાઠી બાબરા સીટ પર 7 ફોર્મ ભરાયા હતા. હવે ફોર્મ ભરવાના કુલ બે દિવસો બાકી છે. 13 અને 14 તારીખના રોજ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયામા ઉછાળો આવશે.

અન્ય સમાચારો પણ છે...