સાવરકુંડલામા ગત સપ્તાહે જેસર રોડ પર ચાલી રહેલા રોડના કોન્ટ્રાકટરને કામ નબળુ કરવાનુ કહેનાર પાલિકાના ઉપપ્રમુખ જયસુખ નાકરાણીની કથીત ઓડિયો કલીપ વાયરલ થયા બાદ આજે ઉપપ્રમુખ જયસુખ અને હિસ્ટ્રીશીટર એવા પુર્વ પાલિકા પ્રમુખ ડી.કે.પટેલે દાદાગીરી પર ઉતરી આવી રોડના સુપરવાઇઝરને મારી નાખવાની અને પગ ભાંગી નાખવાની ધમકી આપતા બંને સામે ગુનો નોંધાયો છે.
ભુતકાળમા ભ્રષ્ટાચાર માટે બદનામ થયેલા પુર્વ પ્રમુખ ડી.કે.પટેલ અને તેના મળતીયાઓ હાલમા પાલિકાનુ સુકાન સંભાળી રહ્યાં છે. તેવા સમયે જેસર રોડ પર મંગલમ સોસાયટીમા રોડનુ કામ કરી રહેલા કોન્ટ્રાકટરને જરૂરી માપ સાઇઝનો રોડ બનાવવાના બદલે ચણતર ઓછુ રાખી રોડ બનાવવાનુ કહી વહિવટની નાખણી કરવા અંગે કથિત રીતે ઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને કોન્ટ્રાકટરની ઓડિયો કલીપ વાયરલ થઇ હતી.
દરમિયાન આજે પાલિકાના ઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને પુર્વ પ્રમુખ ડી.કે.પટેલ જયાં રોડનુ કામ ચાલી રહ્યું હતુ ત્યાં મોટર સાયકલ લઇને ધસી ગયા હતા. અને રોડનુ સુપરવિઝન કરી રહેલા ગીરીશભાઇ ભીખુભાઇ વિષ્ણુસ્વામી નામના યુવકને મારી નાખવાની ધમકી દીધી હતી. તમે રોડનુ કામ બરોબર કરતા નથી, કામ બંધ કરી દો તેમ કહી બંને શખ્સોએ ગાળો દઇ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી પણ દીધી હતી. એટલુ જ નહી બંને સુપરવાઇઝરને મારવા પણ દોડયા હતા. આખરે સુપરવાઇઝરે બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.