જર્જરિત પુલ પાસે ટ્રાફિકજામ થયો:રાજુલા નજીકના જર્જરિત હિંડોરણા પુલ પાસે અઠવાડિયામાં બીજીવાર ટ્રાફિકજામ, 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાનાં દ્રશ્યો સામે આવ્યા

અમરેલી9 દિવસ પહેલા
  • ટ્રાફિકજામ થવાથી 1 કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગી
  • પુલ જર્જરિત હોવાને કારણે અહીં ટ્રાફિકજામની સમસ્યા માથાના દુખાવા સમાન બની
  • અહિની ટ્રાફિક સમસ્યા મુદ્દે કોઈ નિરાકરણ આવતું ન હોવાથી લોકોમાં રોષ વધ્યો

અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા રાજુલા નજીકના હિંડોરણા પુલ પાસે આજે ગુરૂવારે સવારે ફરી એકવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યાં હતાં. આ પુલ જર્જરિત હોવાના કારણે અહીં ટ્રાફિકજામની સમસ્યા માથાના દુખાવા રૂપ બની રહી છે. સૌરાષ્ટ્રનો અતિ મહત્વનો ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અમરેલીમાંથી પસાર થાય છે. જેના પર દિવ, ભાવનગર, સોમનાથ સહિત સૌરાષ્ટ્રભરના તેમજ રાજુલા-જાફરાબાદ પંથકના ઉધોગ ઝોનના ટ્રક, ટ્રેલર, કન્ટેનર સહિત નાના-મોટા ટ્રાવેલ્સના વાહનો વધુ પસાર થાય છે. પરંતુ એ જ નેશનલ હાઈવે પર આવેલો રાજુલા નજીકનો હિંડોરણા પુલ જર્જરિત હોવાને કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આજે ગુરૂવારે આ અઠવાડિયામાં બીજી વખત અહીં આગળ ટ્રાફિકજામ સર્જાયો હતો. સવારથી કલાકો વીત્યા છતા પણ ટ્રાફિક યથાવત જોવા મળ્યો હતો. પરંતુ આ ટ્રાફિક સમસ્યા મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવતું ન હોવાથી લોકોમાં રોષ વધ્યો હતો. નોંધનીય છે કે આશરે આજે સવારે અહિં આગળ 1 કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે લોકોને અને વાહનચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે 108 એમ્બ્યુલન્સ સહિત ખાનગી સંસ્થાની એમ્બ્યુલન્સ સતત આ પ્રકારના ટ્રાફિકના કારણે તેમાં ફસાવાની ઘટનાઓ પણ સામે આવી છે. છતાં કોઈ પણ પ્રકારનું ડાયવર્જન કાઢવા માટે કાર્યવાહી થતી નથી. સ્થાનિક વાહન ચાલક જયેશભાઇએ જણાવ્યું હતું કે આ સરકારના મુખ્યમંત્રી અને પ્રધાનોને આ બધી સમસ્યાઓ દેખાતી જ નથી. નેશનલ ઓથોરિટીના ઓફિસરો સ્થાનિક તંત્રને ગાંઠતા નથી, જેના કારણે અહીં કોઈ નિરાકરણ આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...