સલામતીના ભાગરૂપે સૂચના:હવામાન વિભાગની આગાહીને પગલે જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ, પવનની સ્પીડ વધતા દરિયામાં કરંટ જોવા મળ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • દરિયામાં માછીમારી કરવા માટે બોટો ન જાય તે માટે તાત્કાલિક ટોકન બંધ કરી દેવામાં આવ્યાં

હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે દરિયો તોફાની બનવાની સંભાવના છે. ત્યારે જાફરાબાદમાં તારીખ 25-05-2022 થી તારીખ 29-05-2022 સુધી દરિયામાં માછીમારી કરવા માટે બોટો ન જાય તે માટે તાત્કાલિક ટોકન બંધ કરી દેવામાં આવ્યાં છે. સલામતીના ભાગરૂપે દરિયામાં રહેલી બોટો તાત્કાલિક પરત બોલાવી લેવા માટે જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા બંદર આસપાસ વસવાટ કરતા તમામ માછીમારોને લેખિત સૂચના આપી દેવાય છે. તમામ બોટ એસોસિએશનને પણ ફિશરીઝ વિભાગ દ્વારા જાણ કરી દેવામાં આવી છે.

જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તાર, શિયાળ બેટ, નર્મદા જેટી વિસ્તાર સહિત તમામ દરિયા કાંઠે પવનની સ્પીડ વધી છે જેના કારણે સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીની અસર થોડા અંશે અહીં જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં દરિયો વધુ તોફાની બની શકે તેવા સંકેતો આજના દ્રશ્યો જોતા લાગી રહ્યા છે.

જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનેયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી છે, પરંતું હજું આ વિસ્તારમાં ખાસ કોઈ અસર જોવા મળી રહી નથી. હાલ કોઈ એવો માહોલ પણ નથી દેખાતો તેમ છતાં અમે વાયરલેસ મારફતે બોટોનો સંપર્ક કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...