આઇવીએફ થકી સંવર્ધન:દેશભરમાં સૌપ્રથમ અમરેલીમાં આઇવીએફથી ગીર ગાયનું સંવર્ધન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર નસલના આખલા અને ગાયનું ભૃણ વિકસાવી કોઇપણ ગાયમાં આરોપણ કરાશે
  • એક ગીર ગાયમાંથી 125 ગીર ગાય પેદા કરાશે : 10 થી 15 લીટર દુધની ક્ષમતાવાળી ગાયો પેદા થશે

અમરેલીમા કેન્દ્ર અને રાજય સરકાર તથા અમર ડેરીના સંયુકત ઉપક્રમે સમગ્ર દેશભરમા સૌપ્રથમ વખત ગીર ગાયનુ આઇવીએફ થકી સંવર્ધન કરવાની યોજના અમલમા મુકવામા આવી છે. ગઇકાલે અમરેલીમા દેશની પ્રથમ આઇવીએફ વાનનુ લોકાર્પણ કરાયુ હતુ. ગર્ભધાનનો તમામ ખર્ચ સરકાર અને અમર ડેરી ભોગવશે. આગામી એકાદ દાયકામા આ વિસ્તારમા આનાથી મોટા પ્રમાણમા ગીર ગાય પેદા થશે. હાલમા દેશમા અસલ ઓલાદની ગીર ગાય શોધવા જતા પણ જડતી નથી.

માત્ર નવ સ્થળે તેની ઓરીજનલ નસલ જળવાય છે. ત્યારે આવનારા એક દાયકામા આ વિસ્તારમા મોટા પ્રમાણમા અસલ નસલની ગીર ગાય પેદા થાય તેવુ મહા અભિયાન હાથ ધરવામા આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની પહેલથી પશુપાલન મંત્રાલય, રાજય સરકાર અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે આ ભગીરથ કાર્ય હાથ પર લેવાયુ છે જે અંતર્ગત ગીર ગાયો માટે આઇવીએફ વાનનુ ગઇકાલે રૂપાલાના હસ્તે અમરેલીમા લોકાર્પણ કરાયુ હતુ.

આ એક રીતે કુખ ભાડે આપવા જેવુ
​​​​​​​આ એક રીતે પશુઓ માટેની ટેસ્ટ ટયુબ બેબી ટેકનીક છે. જેમા ઓરીજનલ ગીર નસલના આખલાના શુક્રાણુ તથા ગાયના અંડ મારફત લેબમા ભ્રુણને વિકસાવવામા આવશે. અને ત્યારબાદ આ ભ્રુણનુ કોઇપણ ગાયમા આરોપણ કરવામા આવશે. આ એક રીતે કુખ ભાડે આપવા જેવુ છે. ગમે તે ગાય હોય તેની અસર પેદા થનારા વાછરડા પર નથી થતી અને વાછરડુ ગીર નસલનુ જ પેદા થશે. આ રીતે ખુબ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધારી શકાશે.

ટેકનીક દેશમા લાવી તેનો સૌપ્રથમ અમલ અમરેલીથી શરૂ કર્યો
ગીર ગાય એક સમયે 15 લીટરથી પણ વધુ દુધ આપવા સક્ષમ છે. દેશમા હાલમા તેની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી છે. પરંતુ આ સંખ્યા ઝડપથી વધારવા માટે પશુપાલન મંત્રાલય દ્વારા આ ખાસ પહેલ કરાઇ છે. કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાએ બ્રાઝીલની લીધેલી મુલાકાતમા આ ટેકનીક જોઇ હતી અને હવે એ ટેકનીક દેશમા લાવી તેનો સૌપ્રથમ અમલ અમરેલીથી શરૂ કર્યો છે.

શરૂઆતમાં 200 ગાયને આઇવીએફ ટ્રીટમેન્ટ અપાશે
અમરેલીમા આઇવીએફ લેબ કાર્યરત થઇ ગઇ છે. શરૂઆતમા 200 ગાયોને આઇવીએફ ટ્રીટમેન્ટ આપી વાછરડા પેદા કરવાનુ આયોજન કરાયુ છે. અને ત્યારબાદ આ સંખ્યાને આગળ લઇ જવાશે.

1 ગાયમાંથી 125 વાછરડા પેદા થશે
આઇવીએફ ટેકનીકનો ઉપયોગ કરી એક ગીર ગાયના આધારે 125થી વધારે ભ્રુણ વિકસાવી તેના વાછરડા પેદા કરી શકાશે. સામાન્ય રીતે ગીર ગાય સહિત કોઇ ગાય પોતાના જીવનકાળમા આટલા વાછરડા પેદા કરી ન શકે.

1 ગર્ભધાનનો ખર્ચ રૂપિયા 21 હજાર
અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ જણાવ્યું હતુ કે એક ગાયને ભ્રુણ પ્રત્યાર્પણ કરવાનો ખર્ચ રૂપિયા 21 હજાર આવશે. જેમાથી કેટલીક રકમ કેન્દ્ર સરકાર અને અમુલ ફેડરેશન અને બાકીની રકમ અમર ડેરી ભોગવશે.

નસલ સુધારવા લાંબો સમય પસાર કરવો નહી પડે
ગાયોની કોઇપણ નસલને સુધારવા માટે પાંચ સાયકલ કવર કરવી પડે છે. મતલબ કે ગાયની પાંચ પેઢી પસાર થાય પછી નસલ સુધરે છે જેમા લાંબો સમય પસાર થઇ જાય છે. નવી ટેકનીકથી લાંબો સમય પસાર કરવો નહી પડે.

અન્ય સમાચારો પણ છે...