ધારીના માણાવાવ ગામની સીમમા ગઇ મધરાતે સાત શખ્સોના ટોળાએ આહિર સમાજના ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા રીતસર આતંક મચાવ્યો હતો અને જુદીજુદી ત્રણ વાડીઓમા જઇ ઘર અને વાહનોમા તોડફોડ કરી છ રાઉન્ડ હવામા ફાયરીંગ કરી ભયનો માહોલ સર્જી દીધો હતો.
ચલાલા પંથકમા પોલીસનો જાણે કોઇ ભય ન હોય તેમ ખુલ્લેઆમ ફાયરીંગ, તોડફોડ અને જમીન ખાલી કરાવવા ધાકધમકીની ઘટના સામે આવી છે. માણાવાવ ગામના વિરાભાઇ જગમાલભાઇ રામે આ બારામા માણાવાવના જ હરદીપ દડુ વાળા, જશુ વલકુભાઇ વાળા, હકુ અમરાભાઇ વાળા, ઘેલુ નનકુભાઇ વાળા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ શખ્સોએ તેની તથા તેના સંબંધીઓની ખેતીની જમીન પચાવી પાડવા અને ખાલી કરવા આ હુમલો કર્યો હતો.
વિરાભાઇના સંબંધી કેશોદના પરબતભાઇ રાજાભાઇ રાજતીયા, કેશોદના રંગપુર ગામના મનસુખભાઇ નાનજીભાઇ ડેડાણીયાએ આજથી સાતેક વર્ષ પહેલા માણાવાવની જમીન વેચાતી રાખી હતી. આ જમીન હરદીપ વાળા વિગેરેને વેચાતી રાખવા વાત કરી હતી. જો કે આ જમીન વેચાતી રાખ્યા વગર જ છેલ્લા દોઢ માસથી જમીનનો કબજો લઇ તેણે ચણાનુ વાવેતર કરી નાખ્યુ હતુ. જેથી આ મુદે સમાધાનની વાત ચાલતી હોય જેમા વિરાભાઇએ દરમિયાનગીરી કરી હતી.
દરમિયાન ગઇકાલે હરદીપ વાળાએ તેમને ફોન કરી જમીન લે-વેચની વાત ચાલે છે તેમા તમારે શું કામ આવવુ જોઇએ તેમ કહી ધમકી આપી હતી. બાદમા રાત્રે સાત લોકો બે કાર લઇ તેની વાડીએ ગયા હતા અને તેના ઘરમા છુટા પથ્થરના ઘા માર્યા હતા. એક કાર તથા બે બાઇકમા તોડફોડ કરી 45 હજારનુ નુકશાન કરી હવામા ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ ટોળુ બાદમા મેસુરભાઇની વાડીએ ગયુ હતુ અને ત્યાં પણ પાઇપ અને પથ્થરના ઘા મારી ડેલામા તેાડફોડ કરી બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ .
અને અંતે માલદેભાઇની વાડીએ જઇ પથ્થરોના ઘા કરી ડેલા પર ફાયરીંગ કર્યુ હતુ અને આ તમામ લોકોને જમીન મકાન વેચીને જતા નહી રહે તો મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે વિરાભાઇ રામે ચલાલા પોલીસ મથકે દોડી જઇ સાતેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. હુમલો અને ફાયરીંગ કરનારા શખ્સો નાસી ગયા હતા જેને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે. ફાયરીંગ માટે ઉપયોગમા લેવાયેલા હથિયારો પણ ગેરકાયદે હોવાનુ મનાય છે.
અચાનક બીજી કાર આવતા તમામ ભાગી ગયા
સાતેય શખ્સો માલદેભાઇ રાણાભાઇ સોલંકીની વાડીએ જઇ બઘડાટી બોલાવી હતી. એ દરમિયાન આંબરડીની સીમમાથી પરબતભાઇ નામની વ્યકિત ફોરવ્હીલ લઇને ત્યાંથી નીકળતા તેની લાઇટ જોઇ સાતેય શખ્સો પોતાની કાર બંધ લાઇટમા પણ હંકારીને નાસી ગયા હતા.
હું મર્ડર કરી છુટો રખડું છું કહી ધમકી દીધી
સાત શખ્સો પૈકી મુખ્ય આરોપી હરદીપ દડુ વાળાએ હું મર્ડર કરીને છુટો રખડુ છું, હવે તમારા લોકોની જોવા જેવી થશે તેમ કહી હુમલો કરી ફાયરીંગ કર્યુ હતુ. અને તમો સોરઠીયા આહિર જ્ઞાતિના બધા લોકો તમારા જમીન મકાન વેચી અહીથી જતા રહો તેમ કહી ધમકી આપી હતી.
ઘરના ડેલા પર કર્યું ફાયરીંગ
હરદીપ વાળાએ પાંચ રાઉન્ડ હવામા ફાયરીંગ કર્યુ હતુ. જયારે માલદેભાઇની વાડીએ તો તેમને મારી નાખવાના ઉદેશથી ઘરના ડેલા પર ફાયરીંગ કર્યુ હતુ. પોલીસે હત્યાની કોશિષ, રાયોટીંગ વિગેરે કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.