વધુ 10 ફોર્મ પરત ખેંચાતા અંતિમ ચિત્ર સ્પષ્ટ:5 સીટ માટે 49 ઉમેદવાર વચ્ચે જંગ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા સીટ પર 15 અને ધારી, કુંડલા સીટ પર 11-11 ઉમેદવાર
  • લાઠીમાં 7 અને અમરેલીમાં 5 ઉમેદવાર વચ્ચે થશે ચૂંટણી: તંત્ર કામે લાગ્યું

અમરેલી જિલ્લામા કઇ સીટ પર વિધાનસભાની ચુંટણી કયા કયા ઉમેદવારો વચ્ચે લડાશે તેનુ અંતિમ ચિત્ર આજે સ્પષ્ટ થઇ ગયુ હતુ. ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ ચકાસણીના અંતે અમરેલીની પાંચેય સીટ પર કુલ 63 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યાં હતા. ચકાસણીના દિવસે જ બે ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે ગઇકાલે બે ફોર્મ પરત ખેંચાયા હતા. 59 ઉમેદવાર બાકી રહ્યાં બાદ આજે અંતિમ દિવસે વધુ 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેથી હવે અંતિમ ચુંટણી જંગમા 49 ઉમેદવાર મેદાનમા બાકી બચ્યાં છે.

ધારી સીટ પર આજે એકપણ ફોર્મ પરત ખેંચાયુ ન હતુ. જેના પગલે હવે 11 ઉમેદવારોમાથી અહીની જનતા પોતાના ધારાસભ્ય નક્કી કરશે. રાજુલા સીટ પર બાકી બચેલા 18માથી 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે 15 ઉમેદવાર વચ્ચે ચુંટણી યોજાશે. લાઠી બાબરા સીટ પર 9 ઉમેદવારમાથી 2 ઉમેદવારે આજે ફોર્મ પાછા ખેંચ્યા હતા. જેના પગલે હવે અહી 7 ઉમેદવાર વચ્ચે જંગ થવાનુ નિશ્ચિત થઇ ગયુ છે. તો બીજી તરફ અમરેલી સીટ પર બે ફોર્મ પરત ખેંચવામા આવતા પાંચ ઉમેદવાર બાકી બચ્યાં છે.

અને સાવરકુંડલા સીટ પર ત્રણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 11 ઉમેદવાર વચ્ચે ચુંટણી નિશ્ચિત બની છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થતા જ હવે સ્થિતિ સ્પષ્ટ બની ગઇ છે જેના પગલે કઇ સીટ માટે કેટલા ઉમેદવારના બેલેટ પેપર તૈયાર કરવાના છે તે નક્કી થઇ ગયુ છે. આ ઉપરાંત ઇવીએમ મશીનમા કેટલા ઉમેદવારોના ડેટા ફિટ કરવાના છે તે સ્થિતિ પણ સ્પષ્ટ બની ગઇ છે. જેને પગલે વહિવટી તંત્ર હવે તે દિશામા કામે લાગશે.

જુદા-જુદા 12 રાજકીય પક્ષો મેદાનમાં
અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પર હવે રાષ્ટ્રીય તથા પ્રાદેશિક કક્ષાના જુદાજુદા 12 પક્ષોના ઉમેદવારો ચુંટણી લડી રહ્યાં છે. ભાજપ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના 5-5 ઉમેદવારો છે. આ ઉપરાંત જનતા દળ (સેકયુલર), વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય પાવર પાર્ટી, રાષ્ટ્રીય હિન્દ એકતા દળ, લોગ પાર્ટી, સોશ્યલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા, ગુજરાત નવનિર્માણ સેના, રાષ્ટ્રીય સમાજ દળ (આર) અને રાઇટ ટુ રીકોલ પાર્ટી મેદાનમા છે.

21 અપક્ષ ઉમેદવાર મેદાનમાં
જિલ્લાની પાંચ સીટના 49 ઉમેદવારો પૈકી 21 ઉમેદવારો અપક્ષ તરીકે ચુંટણી લડી રહ્યાં છે. ધારી સીટ પર 3 અપક્ષ, રાજુલા સીટ પર 10 અપક્ષ, સાવરકુંડલા સીટ પર 5 અપક્ષ, લાઠી સીટ પર 2 અપક્ષ અને અમરેલી સીટ પર 1 અપક્ષ ઉમેદવાર ચુંટણી લડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...