રાજુલા જાફરાબાદ પંથકમા પાછલા કેટલાક દિવસથી બેવડી ઋતુ જોવા મળી રહી છે. અહી સવારે ઠંડી અને દિવસે ગરમીના કારણે ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. હાલ તાવ, શરદી, ઉધરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને પગલે સરકારી અને ખાનગી દવાખાનાઓમા દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. સરકારી અને ખાનગી દવાખાનામા દસ દિવસથી ઉધરસ શરદીના કેસમાં વધારો થઇ રહ્યો છે.
હવામાન બદલાવવાના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. રાજુલા જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારે અને રાત્રીના ઠંડી અને આખો દિવસ ગરમી એમ બેવડી ઋતુ પ્રવર્તી રહી છે. જેના કારણે તાવ, શરદી, ઉધરસના દર્દીઓ વધ્યાં છે. રાજુલામાં ખાનગી અને સરકારી દવાખાનામાં જ્યાં નજર ફેરવો ત્યાં ઉધરસ શરદી અને તાવના કેસ જોવા મળી રહ્યા છે.
એક તરફ પાછલા એકાદ પખવાડીયામા લગ્નસરાની સિઝન અને બાદમા બેવડી ઋતુના કારણે ખાસ કરીને બાળકો તાવ, શરદી, ઉધરસનો વધુ ભોગ બની રહ્યાં છે. અહીના સરકારી દવાખાને રૂટીન કરતા વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે. આ ઉપરાંત શિયાળામા બજારોમા ધુળ ઉડવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. જેના કારણે ઉધરસ, શરદીના દર્દીઓ પણ દવાખાને સારવાર લેતા નજરે પડી રહ્યાં છે. રાજુલામા સરકારી દવાખાના અને ખાનગી દવાખાને આખો દિવસ દર્દીઓની ભીડ રહે છે.
આવી જ સ્થિતિ જાફરાબાદ તાલુકા અને ગામડાઓમા પણ જોવા મળી રહી છે. અહી પણ ઋતુજન્ય રોગચાળાના કારણે શરદી, તાવ અને ઉધરસના દર્દીઓ દવાખાને સારવાર માટે આવી રહ્યાં છે. અહીના ખાનગી અને સરકારી દવાખાને દર્દીઓ વધુ પ્રમાણમા જોવા મળી રહ્યાં છે. અહીના પીપળીકાંઠા, ચાંચબંદર, ટીંબી, ડુંગર, વિક્ટર સહિત વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોક્ટરો છે તેની પણ આરોગ્ય અધિકારીએ તપાસ કરવી જોઈએ.
રાજુલા સિવીલમાં દરરોજની 400ની ઓપીડી
રાજુલા સરકારી દવાખાને રૂટીન કરતા હાલ દરરોજની 400 ઓપીડી ચોપડે નોંધાઇ છે. અહી શરદી, તાવ, ઉધરસના દર્દીઓની સંખ્યા વધી હોવાનુ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતુ.
રાજુલા દવાખાને તબીબોની ઘટ
રાજુલા સરકારી દવાખાનામા અનેક તબીબોની જગ્યા હજુ વણપુરાયેલી છે. જેના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાથી આવતા દર્દીઓને સારવાર લેવામા મુશ્કેલી પડી રહી છે. ત્યારે અહી ઘટતા તબીબોની નિમણુંક કરવામા આવે તેવુ પણ લોકો ઇચ્છી રહ્યાં છે.
ડોર-ટુ-ડોર સર્વે કરવાની માંગ
અહીં રોગચાળો વકર્યો હોય જેથી આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી તાવ, શરદી, ઉધરસના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવુ આયોજન કરવામા આવે તેવુ પણ લોકો ઇચ્છી રહ્યાં છે.
રાજુલામાં આખો દિવસ ધૂળ ઉડવાની પણ સમસ્યા
શહેરમા એક તરફ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. તો બીજી તરફ અહીની બજારો અને માર્ગો પર સતત ધુળ ઉડવાની સમસ્યાથી પણ આ રોગચાળામા વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમા નિયમીત સફાઇની કામગીરી પણ હાથ ધરવામા આવે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.