રાજુલાના એક પ્રોફેસરે અહીની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય અને તેના પરિવારને આ લગ્ન નામંજુર હોય આજે યુવતીના પિતા અને ભાઇએ પ્રોફેસરની કાર આંતરી તોડફોડ કરી જીવલેણ હુમલો કરી તેમની હત્યાની કોશિષ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
અહી જીએમબી પોલીટેકનીક કોલેજમા પ્રોફેસર તરીકે રહેતા અને ભેરાઇ રોડ પર રામકૃષ્ણ સોસાયટીમા રહેતા મુળ જુનાગઢના કલ્પિત રામજીભાઇ ચાંડવા (ઉ.વ.30) પર રાજુલાના જ મુકેશ જગજીવનભાઇ જાની અને તેના પુત્ર વિશાલે આ ખુની હુમલો કર્યો હતો. મુકેશભાઇની પુત્રી અશ્વિની સાથે આ પ્રોફેસરે ગત તારીખ 21/5/21ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. તેમની પુત્રી અમદાવાદમા શિક્ષક તરીકે નોકરી કરે છે. આજે પિતા પુત્ર બાઇક લઇ પુત્રીના ઘરે પહોંચ્યા હતા અને મારી નાખવાની ધમકી દીધી હતી.
પ્રોફેસર કલ્પિત આ મુદે કોલેજેથી સીધા પોલીસ સ્ટેશને જઇ રહ્યાં હતા ત્યારે બંનેએ રસ્તામા તેની કાર આંતરી પથ્થરોના ઘા મારી કારના કાચ તોડી નાખ્યા હતા. બંને શખ્સોએ તેને માથામા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી. એટલુ જ નહી દોરી વડે ગળુ દબાવી દઇ મારી નાખવાની કોશિષ કરી હતી. મુકેશભાઇ તેને હાથ પર બટકુ ભરી ગયા હતા. અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. પ્રોફેસરે અહીથી દોટ મુકી સીધા જ પોલીસ સ્ટેશને દોડી જઇ આ બંને સામે ફરિયાદ લખાવી હતી. પોલીસે બંને સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.
ખુની હુમલો કરનાર પિતા- પુત્રની ધરપકડ
દરમિયાન પોલીસે આજે કારમા તોડફોડ કરી પ્રેમલગ્ન કરનાર દીકરીના પતિ પર ખુની હુમલો કરી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામા સ્થાનિક પોલીસે મુકેશ જગજીવનભાઇ જાની અને તેના પુત્ર વિશાલની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.