વરસાદની જરૂરિયાત:અમરેલી જિલ્લામાં જમીનનો ભેજ ઝડપથી સુકાવા લાગતા ખેડૂતો ચિંતીત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અમરેલી જિલ્લાના ખેડૂતો હવે વરસાદના સારા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. પરંતુ કપાસ અને મગફળીના પાકને બચાવવા સાર્વત્રિક વરસાદની રાહ છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આખરી ગરમીના કારણે જમીનનો ભેદ સુકાવા લાગ્યો છે.

પાછલા કેટલાક દિવસોથી અમરેલી પંથકમાં આકરી ગરમી પડી રહી છે. જેના કારણે પાકને જોઈએ તેવો ભેજ હાલમાં જમીનમાં નથી. છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં છુટા છવાયા ઝાપટા જરૂર પડી રહ્યા છે પરંતુ આ વરસાદ માત્ર મર્યાદિત વિસ્તારમાં થઈ રહ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હાલમાં વરસાદની જરૂરિયાત ઊભી થઈ છે.

ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને બચાવવા માટે પાણીની જરૂર છે. એક તરફ મગફળીમાં મુંડાનો રોગચાળો ચાલી રહ્યો છે અને બીજી તરફ કપાસમાં જીવાતનો ઉપદ્રવ છે. તેવા સમયે જો વરસાદનો સારો રાઉન્ડ આવી જાય તો કપાસની જીવાત પણ ધોવાઈ જાય અને પાકને પાણી પણ મળી જાય.

જેના પગલે ખેડૂતો આકાશમાંથી અનરાધાર વરસાદ તૂટી પડે તેની રાહમાં છે. માત્ર કપાસ અને મગફળી નહીં પરંતુ ખરીફ સીઝનના તલ મકાઈ સહિતના પાકને પણ હાલમાં વરસાદની જરૂરિયાત ઊભી થઈ છે. પિયતની સગવડતા ધરાવતા ખેડૂતોએ તો છેલ્લા એક સપ્તાહથી પાકને પાણી આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ જે ખેડૂતો પાસે પિયતની સગવડતા નથી તેવા ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

જાફરાબાદ લીલીયા પંથકમાં સૌથી વધુ રાહ
હાલમાં લીલીયા પંથકના ખેડૂતો વરસાદની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે. કારણ કે અહીં વરસાદની મોટી ઘટ છે. આવી જ રીતે જાફરાબાદ પંથકમાં પણ વરસાદની ઘટ હોય પાકને બચાવવા પાણીની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...