કૃષિ:ખેડૂતોએ હોંશેહોંશે આગોતરા વાવેતરનો પ્રારંભ કર્યો, ગત વર્ષ કરતા કપાસ અને મગફળીનું વાવેતર વધશે તેવી ધારણા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ શ્રીફળ વધેરી, ખેત ઓજારોની પુજા કરી વાવેતર શરૂ કર્યું

ઉનાળો તેના અંત તરફ ભણી રહ્યો છે. ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે અમરેલી જિલ્લામા ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રીગણેશ કરી દીધા છે. અનેક વિસ્તારમા ખેડૂતોએ પોતાના વાડી ખેતરોમા શ્રીફળ વધેરી ખેત ઓજારોના પુજન સાથે આગોતરૂ વાવેતર શરૂ કરી દીધુ છે. અમરેલી જિલ્લામા આમ તો મોટાભાગે ખેડૂતો કપાસ અને મગફળીનુ સૌથી વધુ વાવેતર કરે છે. ઓણસાલ પણ ખેડૂતોએ કપાસ અને મગફળીના પાક પર પસંદગી ઉતારી છે. અગાઉથી જ ખેડુતોએ પોતાના વાડી ખેતરો ઠીકઠાક કરી લીધા હતા. અને હાલ આગોતરૂ વાવેતર શરૂ કરી દીધુ છે.

ધારી તાલુકામા પણ અનેક વિસ્તારોમા ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કરી દીધુ છે. અહી હજુ પણ કુવા બોરમા પુરતા પ્રમાણમા પાણી છે જેથી ખેડૂતોને વરસાદ ખેંચાય તો પણ પાકને નુકશાન થવાની ચિંતા નથી. તો ખારાપાટ વિસ્તાર એવા લીલીયા તેમજ સાવરકુંડલાના અમુક વિસ્તારમા કોરામા ખેડૂતોએ વાવેતર કર્યુ છે. ઓણસાલ ખેડૂતોને કપાસના સૌથી ઉંચા ભાવ મળ્યાં હતા. જેને પગલે હાલ ખેડૂતો કપાસ અને મગફળીનુ વાવેતર વધુ કરતા જોવા મળી રહ્યાં છે.

સિંચાઇ સગવડતા ધરાવતા ખેડૂતોએ પણ આગોતરૂ વાવેતર કરી નાખ્યું છે. ગત વર્ષે પાછોતરો વરસાદ થયો હતો. જો કે આ વખતે હજુ પણ જળાશયોમા પુરતા પ્રમાણમા પાણી છે જેના કારણે ખેડૂતોને કોઇ ચિંતાનુ કારણ નથી. ગત વર્ષ કરતા આ વખતે કપાસ અને મગફળીનુ વાવેતર વધશે તેવી પણ ધારણા રાખવામા આવી રહી છે.

વરસાદ ખેંચાશે તો પણ કુવા બોરમાં પાણી પુરતું છે : ઢોલરીયા
વડીયાના ખેડૂત છગનભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે આગોતરૂ વાવેતર કરી દીધુ છે. આ સમયગાળામા જો વરસાદ ખેંચાય તો પણ કુવા અને બોરમા પુરતા પ્રમાણમા પાણી છે જેથી પાકને કોઇ વાંધો નહી આવે.

કપાસ મગફળીનંુ વધુ વાવેતર થશે : વસોયા
ખેડૂત અગ્રણી રમેશભાઇ વસોયાએ જણાવ્યું હતુ જિલ્લામા મોટાભાગે ખેડૂતો કપાસ અને મગફળીનુ વાવેતર કરે છે. ખેડૂતોને આ વખતે કપાસના ભાવ પણ ઉંચા મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...