ચોમાસુ દરવાજે દસ્તક દઇ રહ્યું છે. ત્યારે રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો પણ બિયારણ મેળવવા તેમજ પાક ધિરાણ માટે આમથી તેમ દોડાદોડી કરતા નજરે પડી રહ્યાં છે. તો બીજી તરફ વાડી ખેતરોમા વાવેતર કરવાની પણ તૈયારીમા ખેડૂતો વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.
ગઇકાલે લાઠી, સાવરકુંડલા પંથકમા મેઘરાજા પધરામણી કરી હતી. ચોમાસુ માથે હોય હાલ રાજુલા જાફરાબાદ પંથકના ખેડૂતો પણ દોડાદોડી કરતા નજરે પડી રહ્યાં છે. રાજુલામા ખેડૂતો બિયારણ મેળવવા તેમજ પાક ધિરાણ માટે લાઇનો લગાવી રહ્યાં છે.
રાજુલા પંથકમા પણ મેઘરાજા મહેર કરે તે પહેલા ખેડૂતો પોતાના વાડી ખેતરો ઠીકઠાક કરી રહ્યાં છે.હાલ રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ખેડૂતો પોતાના ટ્રેકટર, બળદગાડા સહિત સાધનો સાથે ખેતરોમા વાવેતરની તૈયારીમા લાગી ગયા છે.
અમુક ખેડૂતોએ ડુંગળીનુ વાવેતર કર્યુ હતુ. પરંતુ ડુંગળીના ભાવ સારા મળ્યાં ન હોય અનેક ખેડૂતોએ ડુંગળીનો સંગ્રહ કરી દીધો છે. તો જે ખેડૂતોના ખેતરમા પાણીના બોર કુવા વિગેરેની સગવડતા છે તેવા ખેડૂતો આગોતરૂ કપાસનુ વાવેતર પણ કરી નાખ્યું છે.
બે દિવસથી કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે
અહી પાછલા બે દિવસથી આકાશમા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા નજરે પડી રહ્યાં છે. જો કે હજુ સુધી અહી વરસાદનુ આગમન થયુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.