ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સુર્યોદય યોજના અમલમા મુકવામા આવી હતી. જાફરાબાદ તાલુકામા પણ યોજના શરૂ કરાઇ હતી. પરંતુ ખેડૂતોને દિવસે વિજળી મળતી ન હોય રાત ઉજાગરા કરવાનો વારો આવી રહ્યો છે. અહીના મોટાભાગના ગામોમા રાત્રીના સમયે જ વિજળી આપવામા આવી રહી હોય ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે.
જાફરાબાદ તાલુકાના 45 ગામો પૈકી બે વર્ષ પહેલા ટીંબી ગામે કિસાન સુર્યોદય યોજનાનો આરંભ કરાયો હતો અને અહીના 10 જેટલા ગામોમા આ યોજના શરૂ કરાઇ હતી. પરંતુ આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વિજળી આપવામા આવી રહી ન હોય હાલાકી ભોગવવી પડી રહી છે. અહીના મોટાભાગના ગામોમા ખેડૂતોને આ યોજનાનો કોઇ લાભ મળતો નથી અને રાત્રીના સમયે જ વિજ પુરવઠો આપવામા આવી રહ્યો છે. આ વિસ્તારમા પણ મોટી સંખ્યામા સિંહ, દીપડા જેવા પ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. ખેડૂતોને દિવસે વિજળી મળતી ન હેાય રાત્રીના સમયે વાડી ખેતરોમા જવુ પડે છે.
જેના કારણે ખેડૂતોને વન્યપ્રાણીનો પણ ભય સતાવી રહ્યો છે.કિસાન સુર્યોદય યોજનાને પીજીવીસીએલના અધિકારીઓ જાણે સાકાર થવા દેતા ન હોય તેવી સ્થિતિ અહી જોવા મળી રહી છે. દિવસે ખેડૂતોને વિજળી મળતી ન હોય ખેડૂતો મુંઝવણમા મુકાયા છે. અહીના નાગેશ્રી, મીઠાપુર, બાલાની વાવ, કાગવદર, લુણસાપુર, કંથારીયા, ભટ્ટવદર, સરોવડા સહિતના ગ્રામ્ય વિસરોમા રાત્રીના સમયે સિંહ, દીપડા સહિતના પ્રાણીઓનો ત્રાસ હોય ખેડૂતો મહા મુસીબતે રાત્રીના સમયે વાડી ખેતરોમા કામ સબબ જઇ રહ્યાં છે.
ખેડૂતોને દિવસે વીજળી મળવી જોઇએ: અનિરૂદ્ધભાઇ
ખેડૂત આગેવાન અનિરૂધ્ધભાઇ વાળા, નાજભાઇ બાંભણીયા અને કરશનભાઇ ભીલે જણાવ્યું હતુ કે કિસાન સુર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વિજળી આપવામા આવતી નથી જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમા વન્યપ્રાણીઓ પણ વસવાટ કરે છે. રાત્રીના સમયે ખેડૂતોને વાડી ખેતરોમા જતા ડર લાગી રહ્યો છે. ત્યારે ખેડૂતોને દિવસે વિજળી મળવી જોઇએ.
ઉર્જા મંત્રીને રજુઆત કરી છે
રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ કિસાન સુર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વિજળી મળે તે માટે ઉર્જા મંત્રીને રજુઆત કરી છે. જાફરાબાદના ટીંબી સહિત 10 ગામો તેમજ બાકીના ગામોમા પણ ખેડૂતોને આ યોજના હેઠળ દિવસે વિજળીનો લાભ મળે તે જરૂરી છે.> હિરાભાઇ સોલંકી, ધારાસભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.