કૃષિ:ખેડૂતોને મળે છે મગફળીનો 1 હજારથી નીચો ભાવ, સપ્તાહમાં  40 હજાર ગુણી આવી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિપાવલી બાદ નાણાં છુટા કરવા ખેડૂતોએ સપ્તાહમાં 70 હજાર મણ મગફળી યાર્ડમાં ઠાલવી

અમરેલી જિલ્લામા દર વર્ષની જેમ આ વર્ષે પણ કપાસ બાદ સૌથી વધુ વાવેતર શીંગનુ થયુ છે અને ખેડૂતોએ મગફળીનો પાક લણી પણ લીધો છે. હવે અમરેલી યાર્ડમા ખેડૂતો મોટા પ્રમાણમા શીંગ લાવવા માંડયા છે. પરંતુ અનેક ખેડૂતોને મગફળીનો ભાવ એક હજારથી નીચો મળી રહ્યો છે. એક સપ્તાહમા ખેડૂતોએ અમરેલી યાર્ડમા 40 હજાર ગુણી મગફળી ઠાલવી દીધી છે. મગફળીનો પાક હવે ખેડૂતોને ઘરમા રાખવો પોસાય તેમ નથી. મોટાભાગના વિસ્તારમા દિવાળી આસપાસના સમયમા મગફળીનો પાક ઉતારી લેવામા આવ્યો હતો. જો કે તહેવારના દિવસો હોવાના કારણે અને મગફળીમા ભેજ હોય પુરતો ભાવ નહી મળે તે આશંકાએ મોટાભાગના ખેડૂતોએ યાર્ડમા માલ લાવવાનુ ટાળ્યું હતુ.

પરંતુ ખેતીના ખર્ચને પહોંચી વળવા ખેડૂતોને હવે નાણાની પણ જરૂર છે. મોટાભાગના ખેડૂતો ભાગવી ખેતી કરતા હોય સીઝનના અંતે ભાગીયાને પણ ભાગ આપવાનો સમય આવી ગયો છે. જેના પગલે હવે યાર્ડમા મગફળીની આવકમા ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન અમરેલી યાર્ડમા 6605 કવીન્ટલ મઠડી શીંગની આવક થઇ હતી. જયારે 7767 કવીન્ટલ મોટી શીંગ હરરાજીમા આવી હતી. આમ બંને મળી 70 હજાર મણથી વધુ મગફળીનો જથ્થો માત્ર અમરેલી યાર્ડમા હરરાજી માટે આવ્યો હતો. જિલ્લાના અન્ય માર્કેટીંગયાર્ડમા પણ મગફળીની આવક વધી છે.

પરંતુ ખેડૂતોની તકલીફ એ છે કે માત્ર એક હજાર રૂપિયા આસપાસનો ભાવ મળે છે અને ઘણા ખેડૂતોને તો પુરા એક હજાર રૂપિયા પણ મળતા નથી. પ્રતિ મણના આ ભાવ સરકારે ગયા વર્ષે આપેલા ટેકાના ભાવ કરતા પણ ઘણા નીચા છે. અમરેલી માર્કેટીંગયાર્ડમા એક સપ્તાહમા 40169 ગુણી હરરાજી માટે આવી હતી. અહી નબળી શીંગનો ભાવ 800 થી 900 આસપાસ મળી રહ્યો છે. જયારે સારામા સારી શીંગ પણ માંડ 1200 આસપાસના ભાવે વેચાઇ રહી છે. ખેતીના વધેલા ખર્ચ અને કાળઝાળ મોંઘવારીના કારણે ખેડૂતોને નીચા ભાવે મગફળી વેચવી પોસાતી નથી. પરંતુ નાણાની જરૂરીયાત ખેડૂતોને મગફળી વેચવા મજબુર કરી રહી છે.

સૌથી નીચા અને ઉંચા ભાવ કયારે રહ્યાં ?
અમરેલી યાર્ડમા શનિવારે મોટી શીંગનો નીચો ભાવ માત્ર રૂપિયા 820 રહ્યો હતો. સોમવારે પણ રૂપિયા 885 હતો. જયારે મંગળવારે શીંગ મઠડીનો રૂપિયા 850 અને બુધવારે મોટી શીંગનો 825 રહ્યો હતો. બીજી તરફ આજે મઠડી શીંગનો ઉંચામા ઉંચો ભાવ 1461 અને ગઇકાલે 1400 બોલાયો હતો. ગુરૂવારે પણ વધુમા વધુ 1366નો ભાવ બોલાયો હતો.

તલની આવકમાં પણ ઉછાળો
અમરેલી જિલ્લામા તલનુ પણ ઠીકઠીક વાવેતર થયુ છે અને હાલમા સફેદ તલના બે હજારથી લઇ 3400 તથા કાળા તલના 1700થી લઇ 3000 સુધીનો ભાવ મળી રહ્યો છે. જેને પગલે દરરોજ 4 હજારથી લઇ 5 હજાર મણ સફેદ અને કાળા તલની આવક થઇ રહી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તલની આવક બમણી થઇ છે. .

રાજુલા યાર્ડમાં પણ કપાસ- શીંગની આવક વધી
રાજુલા યાર્ડમા આજે કપાસની 6500 મણની આવક થઇ હતી અને ખેડૂતોને રૂપિયા 1750 થી 1835 ભાવ મળ્યો હતો. જયારે મગફળીની 2500 મણ આવક હતી અને ભાવ 1080 થી 1221 મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...