અમરેલી જિલ્લામાં આવેલા બગસરા તાલુકાના કાગદડી ગામે વાડી વિસ્તારમાં આજે ગુરૂવારે ઇલેક્ટ્રીક શોક લાગતાં ખેત મજૂર અને ખેડૂત બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે બગસરા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસની કામગીરી શરૂ કરી હતી.
ઇલેવન કેવી લાઈન અડી જવાના કારણે મોત
બગસરાના કાગદડીના વાડી વિસ્તારમાં ખેતરમાં આવેલા બોરિંગ પર ખેડૂત જીવરાજ પુનાભાઈ ગઢીયા (ઉં.વ. 48) અને ખેત મજૂર રામજીભાઈ ગરાસીયા (ઉં.વ. 32) જાતે બોરિંગની મોટર બહાર કાઢતા હતા. જેમાં મોટરમાં કોઈ ફોલ્ટ હોવાને કારણે તેઓ મોટર બહાર કાઢવા માટે મથામણ કરતા હતા. ત્યારે ઉપરથી પસાર થતી ઇલેવન કેવી લાઈન અડી જવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. શોક લાગવાના કારણે બંને જણા ફંગોળાઇને દૂર પડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બગસરા પોલીસ અને પીજીવીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
ઘટના બાદ આસપાસના ખેડૂતો સહિત લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી. ત્યારબાદ બંનેને પી.એમ. માટે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખેડૂત અને ખેત મજૂરના મોત બાદ પરિવાર અને સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનો માહોલ ઉભો થયો છે. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ કેવી રીતે શોક લાગ્યો સહિતના પ્રશ્નોને લઇને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
બંને ખેડૂત દુર ફંગોળાઇ ગયા
અહી દારમાથી મોટર બહાર કાઢવાનો પ્રયાસ કરી રહેલા જીવરાજભાઇ અને પીન્ટુભાઇને વિજશોક લાગતા જ બંને દુર સુધી ફેંકાઇ ગયા હતા. અને ઘટના સ્થળે જ બંનેનુ મોત થયુ હતુ.
ભાયાવદરમાં પણ આવી જ ઘટનામાં પાંચના મોત થયા હતા
વડીયા તાલુકાના ભાયાવદર ગામે ચાર વર્ષ પહેલા શિવકથાનો મંડપ કાઢી રહેલા પાંચ મજુરોનુ વિજશોકથી મોત થયુ હતુ. મંડપ સર્વિસના આ મજુરો લોખંડની ઘોડી ફેરવી રહ્યાં હતા ત્યારે ઉપરથી પસાર થતી 11 કેવીની લાઇનને અડી જતા પાંચેયનુ ઘટના સ્થળે મોત થયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.