ખેડૂતો ચિંતાતુર:જિલ્લામાં ખેતમજૂરો મળતા નથી, થ્રેસરના ભાડામાં 25 ટકાનો વધારો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોટાવેટરના ભાડા પણ 25 ટકા વધ્યા, મોંઘવારીનો માર ખેતીક્ષેત્રે પડતા ખેડૂતો ચિંતાતુર
  • પરપ્રાંતિય મજૂરો આવ્યા નથી અને ગત વર્ષે જે યુવા વર્ગ વતનમાં હતો તે હવે શહેરોમાં હોય મજૂરોની ઘટના કારણે મજૂરી પણ બમણી

મોંઘવારીનો માર વેપાર – ધંધા પર તો પડી રહ્યો હતો. પણ હવે મોંઘવારીની ખેતીક્ષેત્રે પણ અસર દેખાઈ આવી છે. ડિઝલના વધતા ભાવથી અમરેલી જિલ્લામાં થ્રેસર- રોટાવેટરના ભાડામાં એક કલાકે રૂપિયા 200નો વધારો થયો છે. સાથે સાથે જિલ્લાભરમાં મજુરોની ઘટથી જગતનો તાત લાચાર બન્યો છે. અને સીઝન સાચવવા મજૂરોને મો માંગી રકમ ચૂકવી રહ્યો છે.જિલ્લામાં સૌથી વધારે કપાસ અને બીજા નંબરે મગફળીનું ચોમાસું વાવેતર થયું હતું. તેમજ અન્ય પાકનું વાવેતર પણ છે.

બાબરાના ખેડૂત મહેન્દ્રભાઈ બસીયાએ જણાવ્યું હતું કે અત્યારે ખેતીમાં સીઝન ચાલી રહી છે. પણ મજુરોની અછત જોવા મળી રહી છે. ખેડૂતોને સરળતાથી મજુરો મળતા નથી. જો મળે તો ‌મોં માંગી કીંમત આપવી પડે છે. ગત વર્ષે મજુરી રૂપિયા 200 થી 250 હતી. પણ ઓણસાલ રૂપિયા 400થી 500 એક દિવસની મજુરી છે. મજુરોની સાથે સાથે થ્રેસર અને રોટાવેટરના ભાવ પણ ભડકે બળી રહ્યા છે.ગત સીઝનમાં ડિઝલના એક લીટરના રૂપિયા 75 હતા. ત્યારે થ્રેસરના 750 થી 800 સુધી એક કલાકનો ભાવ હતો.

પણ અત્યારે ડિઝલ રૂપિયા 100ને પાર પહોંચી ગયું છે. જેના કારણે મગફળી કાઢવા માટે થ્રેસરમાં એક કલાકના રૂપિયા 1000 ચાલી રહ્યા છે. અમરેલી તાલુકાના લાલાવદરના ખેડૂત પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે હવે ખેતી કરવી પણ મોંઘી બની છે. પહેલા બિયારણ, ખાતર અને દવાના મોંઘાભાવ ચુકવ્યા અને હવે મજુર તેમજ થ્રેસરવાળાને ભાવ વધારો ચુકવી રહ્યા છે. પણ ખેડૂતોની આવક બમણી થતી નથી. ખેડૂતોને બધુ હતું. ત્યાને ત્યા જ રહે છે.ગત વર્ષે રોટાવેટરનું ભાડું પ્રતિ કલાક 500થી 600 ચાલતું હતું પણ હવે તેમાં પણ તગડો ભાડા વધારો થયો છે.

અને હવે પ્રતિ કલાક 800થી 900 ભાડું ચૂકવવું પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે ખેડૂતોને હવે માર્કેટિંગ યાર્ડમાં માલ લઈ જવો પણ મોંઘો પડી રહ્યો છે જેની સરખામણીમાં ખેત પેદાશોના પુરતા ભાવ મળી રહ્યા નથી.

આ વર્ષે પરપ્રાંતીય મજૂરો આવ્યા નથી જેના કારણે મજૂરોની ઘટ : ભગવાનભાઈ
લાઠીના સરકારી પીપળવાના ભગવાનભાઈ ગરણીયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે યુપી, બીહાર, દાહોદ અને ગોધરા પંથકમાં પરપ્રાંતીય મજુરો મજુરીઅર્થે આવ્યા હતા. પણ ઓણસાલ પરપ્રાંતીય મજુરો આવ્યા નથી. મજુરોની અછતના કારણે મજુરી મોંઘી બની છે. મોં માંગ્યા ભાવ આપવા છતાં પણ મજુરો મળતા નથી.

ગત વર્ષે કોરોનામાં બધા ઘરે હતા એટલે મજૂરો મળી જતા હતા : ખેડૂત
રાજુલાના માંડરડી ગામના ખેડૂત રમેશભાઈ વસોયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મહામારીના કારણે વેપાર ધંધા બંધ હોવાથી લોકો ઘરે જ હતા. જેના કારણે સરળતાથી મજુરો મળી જતા હતા. પણ ઓણસાલ હિરાના કારખાના પણ શરૂ થઈ ગયા છે. જેના કારણે મોટાભાગના લોકો હિરાના કારખાનામાં જઈ રહ્યા છે. અને બહારના મજુરો આવ્યા નથી. જેના કારણે મજુરોની અછત જોવા મળી રહી છે.> રમેશભાઇ વસોયા

​​​​​​​જણસના ભાવમાં વધારો થતો નથી અને ખેતીમાં મોંઘવારી
​​​​​​​અમરેલીના સ્થાનિક ખેડૂત રમેશભાઈ પેટલે જણાવ્યું હતું કે મોંઘવારીથી ખેડૂતો પીડાઈ રહ્યા છે. ખેતીની તમામ કામગીરી અત્યારે મોંઘી બની છે. એ પછી મજુરી હોય કે દવા તેમજ થ્રેસર સહિત તમામ મોંઘુ બન્યું છે. પણ કપાસ અને મગફળીના ભાવ ગત વર્ષ જેવા જ જોવા મળે છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...