અમરેલીના સરંભડાથી ગોપાલગ્રામ સુધીનો રસ્તો બિસ્માર બન્યો છે. સમમોટા ખાડાથી વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમ છતાં તંત્ર અહી રસ્તાનું સમારકામ કરતું નથી. તાત્કાલીક તંત્ર ગોપાલગ્રામથી સરંભડા સુધીના રસ્તાનું રીપેરીંગ કરે તેવી લોક માંગણી ઉઠી હતી.
ગોપાલગ્રામના કિરીટભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમારા ગામથી સરંભડા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી છે. પણ થોડા સમય પહેલા તંત્ર અહી ઠીગડા મારી ગયું છે. તેમ છતાં રસ્તા પર ફરી મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન અકસ્માતના બનાવો પણ વધ્યા છે. તેમજ સાયકલ લઈને જતા બાળકોને ખાડાના કારણે પડી રહ્યા છે. અને ઈજાનો ભોગ બની રહ્યા છે.
વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે રસ્તા પર ખાડાના કારણે વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નથી. આ રોડ અમરેલી અને ધારી તાલુકાની હદમાં આવેલ છે. બંને તાલુકાના અધિકારીઓએ કહ્યું હતું કે અડધો અડધો રસ્તો બનાવી અપાશે. તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પરંતુ અત્યારે મસમોટા ખાડાના કારણે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.