કંપની સામે રોષ:જાફરાબાદમાં આવેલી ખાનગી કંપનીએ મજૂરોને પગાર ન આપતા તેમજ અનેકને છૂટાં કરી દેતા રોષ, પૂર્વ MLA હીરા સોલંકીએ કંપનીમાં રજૂઆત કરી

અમરેલી2 મહિનો પહેલા

જાફરાબાદમાં આવેલી સ્વાન એનર્જી કંપની વિવાદોમાં આવી છે. આ કંપની જ્યારે અહી આવી ત્યારે સ્થાનિકોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. જોકે, હાલ આ કંપનીમાં કામ કરતા અનેક મજૂરોને ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તેમજ અનેકને છૂટાં પણ કરી દેવાયાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામજનોની રજૂઆતને પગલે કંપનીમાં પહોંચી રજૂઆત કરી હતી.
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામની સ્વાન એનર્જી કંપની વિવાદમાં આવી છે. અહીં કરોડોના ખર્ચે દરિયા કાંઠે જેટી બની રહી છે. તેથી કંપનીએ સ્થાનિક લોકોને રોજગારી મળવાનો વાયદો આપ્યો હતો. જેના કારણે આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની મોટી આશા બંધાઇ હતી. કંપનીની સ્થાપના કરાઈ ત્યારે અહીં મોટું આંદોલન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા સ્થાનિક લોકોને વધુ રોજગારી આપવા માટેનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.
કંપનીમાં પ્રવેશ ન આપતાં રોષ
આ વચ્ચે ફરી આ કંપની સામે વિવાદ વધી રહ્યો છે. અહીં ભાકોદર ગામ અને આસપાસના ગામના લેબર તરીકે કામગીરી કરતાં લોકોના પગાર બાકી છે તો કેટલાક લોકોને છૂટાં કરી દેવાયા હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે પગાર આપવાની તેમજ જેને નોકરીમાંથી કાઢી નાખ્યા છે તેઓને ફરી રોજગારી આપવાની માગ કરવામાં આવી છે. ગામના સરપંચ સહિત આગેવાનો રજૂઆતો કરવા જતાં હોય છે. પરંતુ કંપની અંદર ગેટ બંધ કરી પ્રવેશ ન આપવાના કારણે વધુ રોષ ફાટી નીકળ્યો હતો.
કંપનીના સત્તાધીશોને કડક ચેતવણી આપી
આ સમગ્ર મામલે વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી સેના પ્રમુખ હીરા સોલંકી સુધી રજૂઆત પહોંચતા તમામ લોકો સાથે હીરા સોલંકી કંપનીમાં પહોંચ્યાં હતા અને કંપનીના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરી હતી. તેમજ ગ્રામજનોને અન્યાય થશે તે ચલાવી નહીં લેવાય ભાકોદરના ગ્રામજનોને કંપની કેમ અંદર નથી આવવા દેતી? તેમ જણાવી ઉગ્ર રજૂઆતો કંપનીમાં કરવામાં આવી છે.
​​​​​​​પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, લોકો મારી પાસે રજૂઆત માટે આવ્યાં હતા જેથી હું કંપનીમાં ગયો હતો. કંપની દ્વારા મજૂરોને ત્રણ-ત્રણ મહીનાથી પગાર આપવામાં આવ્યો નથી. જે ગામમાં કંપની છે તે ગામના સરપંચ સહિત લોકો રજૂઆત કરવા જ્યારે જાય છે ત્યારે તેઓને અંદર પ્રવેશવા ન દે તેવું ના ચાલે. હું આ પ્રકારનું કંપનીનું વર્તન નહી ચલાવી લવ. કાલે જ મેં કંપનીને રજૂઆત કરી છે. ત્યારે દિવાળી સુધીમાં હકારાત્મક અભિગમ દર્શાવશે તેવો મને વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...