અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી છે. આજે પણ અમરેલી શહેર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાંભા પંથકમાં તો ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા હતા. જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ પેદા થઈ છે.
અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારના ગોવિંદપુર, સુખપુર, સરસીયા, કાંગસા સહિતના ગામડાઓમાં આજે પણ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદના કારણે ગામડાઓના રસ્તા પર પાણી વહેતા થયા હતા.
અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના વિઠ્ઠલપુર, ફતેપુરમાં, રાજુલાના ચૌત્રા, ડુંગર, બબરતાણા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખાંભા, જાફરાબાદ અને વડીયા વિસ્તારમાં પણ વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં બે ઈંચ કરતા વધુ વરસાદ
અમરેલી જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી કમોસમી વરસાદી કહેર યથાવત છે. આજે ખાંભા તાલુકાના ત્રાકુડા, હનુમાનપરા સહિતના વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. જેના કારણએ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.